ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકામાં માર્ગ સલામતી અને પેટ્રોલિંગ વધારવા નિર્ણય
ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં થતા માર્ગ અકસ્માતોને રોકવા અને વાહનચાલકોની સુરક્ષા વધારવાનો હતો. અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર કેટલી અમલવારી થઈ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને જે કામો બાકી છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.
અકસ્માત નિવારણ માટે હાઈવે પર કડક સૂચનાઓ
માર્ગો પર સુરક્ષા વધારવા માટે હાઈવે પરના જોખમી અને અનધિકૃત ડિવાઈડર કટ (ગેપ ઈન મીડિયન) ને તાત્કાલિક બંધ કરવા સૂચના અપાઈ હતી. રાત્રિના સમયે અકસ્માતો ઘટાડવા માટે રસ્તાઓ પર રેડિયમ રિફ્લેક્ટર્સ અને જરૂરી સાઈન બોર્ડ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પગલાંથી વાહનચાલકોને વળાંક અને જોખમી માર્ગોની દૂરથી જાણકારી મળી શકશે અને જાનહાનિ ટાળી શકાશે.
ફૂલડોલ ઉત્સવમાં યાત્રિકોની સુરક્ષા માટે ખાસ આયોજન
આગામી ફૂલડોલ ઉત્સવમાં આવનારા હજારો પદયાત્રીઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર માર્ગો પર દિશા-સૂચક બોર્ડ લગાવવા અને યાત્રિકોની સુવિધા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા અને આર.ટી.ઓ. અધિકારીઓ સહિત સમિતિના સભ્યોએ હાજર રહી માર્ગ સુરક્ષાના વિવિધ પાસાઓ પર મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
