ફિલિપાઈન્સમાં અમેરિકી સૈન્ય વિમાન સાથે મોટી દુર્ઘટના: ટેક-ઓફ વખતે કોંક્રિટ બેરિયર સાથે અથડાયું, 5 જવાન ઘાયલ
ફિલિપાઈન્સના ઉત્તરી પ્રાંતમાં ચાલી રહેલા સૈન્ય અભ્યાસ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અમેરિકી વાયુસેનાનું એક ટ્રાન્સપોર્ટ વિમાન રનવેને બદલે સામાન્ય સડક પરથી ઉડાન ભરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અચાનક સંતુલન બગડતા તે રસ્તા પરના કોંક્રિટ બેરિયર સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાંચ અમેરિકી સૈન્ય કર્મીઓ ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
અભ્યાસ દરમિયાન કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?
મંગળવારે બપોરે પાંગાસિનાન પ્રાંતના લાઓઆક શહેરમાં એક કૉંક્રિટ બાયપાસ રોડ પર આ અકસ્માત થયો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ “વૈકલ્પિક લેન્ડિંગ ઝોન” એટલે કે સામાન્ય એરપોર્ટ સિવાયની જગ્યાઓ પર વિમાન ઉતારવા અને ત્યાંથી ઉડાન ભરવાનો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન સફળતાપૂર્વક ઉતરી તો ગયું હતું, પરંતુ જ્યારે તેણે ફરી ઉડાન ભરવાની કોશિશ કરી, ત્યારે તે ડગમગી ગયું અને બાજુમાં રહેલા બેરિયર સાથે અથડાઈ ગયું.
ઘાયલ થયેલા પાંચ સભ્યો પૈકી પાયલોટ અને અન્ય બે કર્મીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થતા ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સામાન્ય રસ્તા પર પ્રેક્ટિસ કરવાની જરૂર કેમ પડી?
ઘણીવાર વાવાઝોડું, ભૂકંપ કે યુદ્ધ જેવી આપત્તિજનક સ્થિતિમાં મુખ્ય એરપોર્ટના રનવે સુરક્ષિત રહેતા નથી. આવી સ્થિતિમાં સૈન્ય દળો સામાન્ય સડકો કે હાઈવેનો ઉપયોગ કરીને રાહત સામગ્રી પહોંચાડી શકે તે માટે આ પ્રકારની “અનોખી તાલીમ” લેવામાં આવતી હોય છે. આ અભ્યાસ ફિલિપાઈન્સના સૈન્ય અને પોલીસ અધિકારીઓના સંપૂર્ણ સંકલન સાથે જ આયોજિત કરવામાં આવ્યો હતો.
ચીન સાથેના તણાવ વચ્ચે અમેરિકા-ફિલિપાઈન્સની નિકટતા
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે વિવાદ વકર્યો છે. ચીનના વધતા વર્ચસ્વ સામે ફિલિપાઈન્સને મજબૂત કરવા માટે અમેરિકા સતત તેની સાથે સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. 1999ના ‘વિઝિટિંગ ફોર્સિસ એગ્રીમેન્ટ’ હેઠળ અમેરિકી સૈનિકોને અહીં તાલીમ લેવાની છૂટ છે.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના જહાજો કે વિમાનો પર કોઈ હુમલો થશે, તો ‘મ્યુચ્યુઅલ ડિફેન્સ ટ્રીટી’ હેઠળ અમેરિકા તેની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. હાલમાં આ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

