ગાંધીનગર – ગુજરાત સરકાર સામાન્ય સંજોગોમાં ઓછા કર્મચારીઓથી ચલાવી લેતી હતી પરંતુ હવે જ્યારે કોરોના પોઝિટીવના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે સરકાર પાસે 65 ટકા જેટલો સ્ટાફ છે. સ્ટાફની અછત દૂર કરવા સરકારે ભરતીની જાહેરાતો આપી છે પરંતુ કોઇ નવા ઉમેદવાર કોવિડ હોસ્પિટલોમાં કામ કરવા તૈયાર થતાં નથી. ભરતીના ત્રણ પ્રયાસો ફેઇલ ગયા છે. ગુજરાત સરકારે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લામા કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો શરૂ તો કરી છે પરંતુ સરકારને સ્ટાફ મળતો જ નથી. સૌથી મોટી એવી અમદાવાદની કોરોના ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલ માટે ત્રણ વાર ઈન્ટરવ્યુ કરવા છતાં પણ સ્ટાફ મળતો નથી તો સુરતની 500 બેડની કોવિડ હોસ્પિટલ માટે બે વાર ઈન્ટરવ્યુ કરવા છતાં સ્ટાફ મળતો નથી.
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે હંગામી ધોરણે 1200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામા આવી છે. આ હોસ્પિટલ માટે સરકાર છેલ્લા એક મહિનાથી સ્ટાફ શોધી રહી છે પરંતુ મળતો જ નથી. સરકારે 700 જેટલી નર્સ, 150થી વધુ એમબીબીએસ ડોક્ટરો તથા, 90 જેટલા પલ્મોનોલોજિસ્ટ માટે બે થી ત્રણ વાર માટે ભરતી જાહેરાત આપી છે. સરકારને કોવિડ હોસ્પિટલ માટે હજુ સુધી પુરતો સ્ટાફ મળ્યો નથી અને જેથી સરકારે કેન્સર સહિતની અન્ય હોસ્પિટલો તથા વિભાગોમાંથી રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સો સહિતના સ્ટાફ લાવવો પડ્યો છે. આ ઉપરાંત સુરતની 500 બેડની કોવિડ હોસ્પિટલ માટે પણ બે વાર ભરતી જાહેરાત આપવામા આવી છે. જેમાં પણ 260 જેટલી નર્સ, 60 એમબીબીએસ ડોક્ટરો અને 10 પલ્મોનોલિજસ્ટ તેમજ એનેસ્થેટિસ્ટ માટે ભરતી જાહેરાત આપવામાં આવી હતી. મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે સરકાર દ્વારા 11 માસના કરારના આધારે સ્ટાફ ભરતી કરવામા આવી રહ્યો છે તેમજ જોઈએ તેટલી સુરક્ષા અને તકેદારી રાખવામા ન આવતી હોય તેમજ કોરોનાનો ડર હવે એટલો બધો ફેલાયો છે કે સરકારની કોવિડ હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ આવવા તૈયાર નથી