કોરોના એ અમદાવાદ માં ડાટ વાળ્યો છે અને અત્યારસુધી કેટલાય ના મોત થઈ ચૂક્યા છે જોકે સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અને સ્મશાન ના આંકડાઓ માં મોટો ફેરફાર જોવા મળતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે અને અમદાવાદ ની સ્થિતિ વિકટ હોવાનું મનાય રહ્યું છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના વિવિધ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંતિમવિધિ અને દફનવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણો વધારો થયો છે. જે મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે તેમાંના સંખ્યાબંધના મોત કોરોનાથી થયાની આશંકા છે, જેઓ સરકારી ચોપડે નોંધાયા નથી. મૃત્યુઆંક બહાર ન આવે તે માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યા ની વાતો ચર્ચાઈ રહી છે. કહેવાય છેકે મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઑફિસરે કોઈ પણ પોલીસ સ્ટાફ કે અન્ય સંસ્થાઓને મરણની માહિતી નહીં આપવા તથા જો કોઈ માગે તો તેમને હેલ્થ કચેરીએ મોકલવાનો આદેશ નોંધણીદારોને આપ્યો છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક નિવેદન માં જણાવ્યું છે, લોકો માં ભય છે કે જો સિવિલ હોસ્પિટલમાં જઈશું તો પાછા નહીં આવીએ. આ વાત અહીંના લોકોના મગજ માં બરાબર ની ફિટ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટી ઝફર અજમેરીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિસ્તારોમાં મોટાભાગની ક્લિનિક બંધ છે, જેથી બીપી, ડાયાબિટીસ, શ્વાસનાં, તાવનાં દર્દીઓ ઘરમાં જ રહે છે. લોકોમાં દહેશત છે કે જો ડોક્ટરને બતાવશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. માટે ઘરમાંથી બહાર નીકળતાં નથી. સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં એપ્રિલની સામે મેમાં અઢી ગણા વધુ અંતિમ સંસ્કાર થયા છે. આ આંકડો એટલા માટે ચિંતાજનક છે, કારણ કે કોરોનાના જે મૃતકોને અંતિમદાહ આપવાનો હોય છે તેમને સામાન્ય રીતે વાસણા સ્મશાને લઈ જવાય છે.આમ અમદાવાદ ની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઇ છે અને હવેતો મરનાર ના આંકડાઓ માં પણ વિસંગતાં ઉભી થતા પરિસ્થિતિ કેવી છે તેનો સહેજેય ખ્યાલ આવે છે.
