જનજાગૃતિ, વર્કશોપ અને મોબાઇલ એપ દ્વારા પારદર્શક વીજ વ્યવસ્થા તરફ મોટું પગલું
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વીજ વ્યવસ્થાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે તાજેતરમાં ૦૯ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ‘સ્માર્ટ મીટર પખવાડા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકોને સ્માર્ટ મીટરની નવી ટેકનોલોજી વિશે માહિતગાર કરવાનો અને તેમના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો હતો. વડોદરાથી લઈને દાહોદ સુધીના વિવિધ જિલ્લાઓમાં કંપનીના અધિકારીઓએ લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
૩૩ લાખ મીટરનો લક્ષ્યાંક અને ઝડપી કામગીરી
MGVCL દ્વારા સમગ્ર મધ્ય ગુજરાતમાં કુલ ૩૩ લાખ સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૧.૦૯ લાખ મીટર લગાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ વાત એ છે કે આ પખવાડિયા દરમિયાન જ ૬૦ હજારથી વધુ નવા મીટર બેસાડવામાં આવ્યા છે. હાલમાં રોજ અંદાજે ૪ હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે વીજ વિતરણ વ્યવસ્થામાં મોટા પરિવર્તનનો સંકેત છે.
લાખો ઉપભોક્તાઓ સુધી પહોંચી ગેરસમજ દૂર કરી
આ અભિયાન દરમિયાન વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ૧.૭૦ લાખથી વધુ ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. કંપનીએ ૧૮૦ જેટલા સ્થળોએ માહિતી કેન્દ્રો ઊભા કર્યા હતા અને જૂના મીટર તથા સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત બતાવવા માટે લાઈવ ડેમો પણ આપ્યો હતો. આ પ્રયાસોથી લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ૩૨ હજારથી વધુ લોકોએ સ્માર્ટ મીટરની મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ટેકનોલોજીનો સ્વીકાર કર્યો છે.
સ્માર્ટ મીટર સંપૂર્ણ સુરક્ષિત અને ફાયદાકારક
કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સ્માર્ટ મીટર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી ગ્રાહકોને કોઈ નુકસાન નથી. મોબાઈલ એપ દ્વારા ગ્રાહકો હવે પોતે જ જાણી શકશે કે તેઓ દરરોજ કેટલી વીજળી વાપરે છે, જેનાથી વીજ બચત કરવામાં પણ મદદ મળશે. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ટેકનોલોજી પર વિશ્વાસ રાખવા માટે વીજ કંપનીએ અપીલ કરી છે. આ નવી વ્યવસ્થાથી બિલિંગની પ્રક્રિયા વધુ સરળ અને સચોટ બનશે.

