ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, લાંબી બીમારી બાદ નોઈડાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતીય ક્રિકેટ જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખચંદ્ર સિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના અવસાનથી રિંકુ સિંહ અને તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
કેન્સરના ચોથા સ્ટેજ સામે લડી રહ્યા હતા જંગ
રિંકુ સિંહના પિતા ખચંદ્ર સિંહ લિવર કેન્સરના ચોથા સ્ટેજ થી પીડાતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત અત્યંત નાજુક હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને સતત રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવી રહી હતી. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી.
પિતાની તબિયત બગડતા રિંકુ સિંહે છોડ્યું હતું પ્રેક્ટિસ સેશન
ટી20 વર્લ્ડ કપ 2026 દરમિયાન રિંકુ સિંહ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો હતો. જોકે, પિતાની તબિયત વધુ બગડવાના સમાચાર મળતા જ રિંકુ સિંહે તાત્કાલિક ઘરે પરત ફરવું પડ્યું હતું. 24 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન હતું, જેમાં રિંકુ હાજર રહ્યો નહોતો. તે પોતાના પિતાની અંતિમ ક્ષણોમાં તેમની પાસે રહેવા માટે નોઈડા પહોંચી ગયો હતો.
વર્લ્ડ કપ 2026માં રિંકુ સિંહનું પ્રદર્શન
ચાલુ ટી20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહે ગ્રુપ સ્ટેજની તમામ મેચો રમી હતી અને સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પણ તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. જોકે, આ ટૂર્નામેન્ટમાં તે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને બેટથી ખાસ કમાલ કરી શક્યો નહોતો. પિતાની માંદગીને કારણે તે માનસિક રીતે પણ દબાણમાં હતો. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું.
અલીગઢથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર
28 વર્ષીય રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. રિંકુએ અત્યંત ગરીબી અને સંઘર્ષ વચ્ચે પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવી છે, જેમાં તેના પિતાનો મોટો સહયોગ રહ્યો હતો. રિંકુના પિતા ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. આજે જ્યારે રિંકુ સફળતાના શિખરે છે, ત્યારે પિતાની છત્રછાયા ગુમાવવી એ તેના માટે વ્યક્તિગત રીતે મોટું નુકસાન છે.

