ટી20 વર્લ્ડ કપ: ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ નાખુશ? બોલરોની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે 72 રને મળેલી ભવ્ય જીત બાદ ભારતીય ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપના સુપર-8માં પોતાની આશાઓ જીવંત રાખી છે. ભારતીય બેટ્સમેનોના તોફાની પ્રદર્શનને કારણે ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટની 97 રનની લડાયક ઇનિંગ પણ તેમની ટીમને હારથી બચાવી શકી નહોતી. જોકે, આ મોટી જીત છતાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમના બોલિંગ પ્રદર્શનથી સંપૂર્ણ સંતુષ્ટ જણાતા નહોતા.
હારમાંથી બોધપાઠ અને વીડિયો એનાલિસ્ટની મદદ
દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાને મજબૂત વાપસીની જરૂર હતી. સૂર્યકુમારે મેચ બાદ જણાવ્યું કે ટીમે કેવી રીતે માનસિક મજબૂતી મેળવી. તેણે કહ્યું, “અમે બધું પાછળ છોડીને આગળ વધવા માંગતા હતા. અમારા વીડિયો એનાલિસ્ટ દ્વારા તૈયાર કરાયેલી આખા વર્ષની પોઝિટિવ સ્લાઈડ્સે અમને ખૂબ મદદ કરી. ટોપ ઓર્ડરથી લઈને નંબર સાત સુધીના તમામ બેટ્સમેનોએ જે રીતે યોગદાન આપ્યું તે જોઈને આનંદ થયો.” ભારત આ મેચમાં 17 છગ્ગાની મદદથી 256/4 ના ઐતિહાસિક સ્કોર સુધી પહોંચ્યું હતું.
‘તમે નાખુશ લાગો છો’: પોમી મ્બાંગ્વાના સવાલો અને સૂર્યાનો જવાબ
મેચ બાદ જ્યારે પ્રેઝન્ટર પોમી મ્બાંગ્વાએ પૂછ્યું કે શું હજુ સુધારાની કોઈ અવકાશ છે? ત્યારે સૂર્યાએ બોલિંગ પર ધ્યાન દોરતા કહ્યું, “સાચું કહું તો, અમે બોલ સાથે વધુ સચોટ (Clinical) રહી શક્યા હોત. જીત તો જીત છે, પણ વેસ્ટ ઈન્ડિઝ સામે અમારે વધુ કડક થવું પડશે.”
જ્યારે મ્બાંગ્વાએ સૂર્યાના ચહેરા પરના સ્મિત પાછળની નારાજગી પારખીને વધુ પૂછપરછ કરી, ત્યારે સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે, “હું ઝિમ્બાબ્વેના બેટ્સમેનોની પ્રશંસા કરું છું, તેમણે પાવરપ્લેમાં સમય લીધા બાદ ખૂબ જ સ્માર્ટ બેટિંગ કરી. પરંતુ બોલિંગના દૃષ્ટિકોણથી, અમે વધુ સ્માર્ટ ઓપ્શન્સ પસંદ કરી શક્યા હોત. કેટલીક જગ્યાએ અમે રન રોકવામાં કે વિકેટ લેવામાં ચૂકી ગયા હતા.”
કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’
ઝિમ્બાબ્વે સામેની આ જીત સાથે હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આગામી મેચ ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’ બની ગઈ છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને હવે કોઈ પણ સંજોગોમાં જીતની જરૂર છે. સૂર્યાએ સ્વીકાર્યું કે નૉકઆઉટ જેવી સ્થિતિમાં ટીમે વધુ હિંમત બતાવવી પડશે.

