ગુજરાતમાં કોરોનાથી થયેલા 351 મોત માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ થયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં છે.
અસારવામાં આવેલી આ મુખ્ય સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે. અહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત કરવામાં આવેલા આંકડા પ્રમાણે, બુધવાર સુધી અસારવાની સિવિલ હોસ્પિટલમાં 351 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે. જ્યારે 338 લોકો અત્યાર સુધી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. આ સિવાય SVP હોસ્પિટલમાં 120 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં કુલ 935 દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 29 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં દાખલ થયેલા 53 સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, અમદાવાદથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મંગળવારે જ સિવિલ હોસ્પિટલમાં ઊંચા મૃત્યુદર અને સ્વસ્થ થવાના રેટ ઓછા થવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. દેશમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના કુલ 12,537 કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 5,219 દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા છે.