ગાંધીનગર—ઝાયડસ ડાઇગ્નોસ્ટિક્સ દ્વારા નિર્મિત 30,000 કોવિડ કવચ એલિસા પરીક્ષણ કીટની પહેલી બેચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ને વિનામૂલ્યે આપવામાં આવી છે. આ પરીક્ષણની કીટ બનાવનારી ઝાયડસ ડાઇગ્નોસ્ટિક્સ કંપની એ કેડિલા હેલ્થકેર લિમિટેડનું એકમ છે.
આ કંપનીએ જણાવ્યું છે કે આ પરીક્ષણ કીટ સર્વેલન્સના હેતુ માટે પૂનાની આઇસીએમઆર – નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે ટેકનોલોજી ટ્રાન્સફરમાં બનાવવામાં આવી છે. પૂનાની આ સંસ્થાએ કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે સ્વદેશી ટેસ્ટ કીટ એલિસા વિકસાવી છે.
સાર્સ કોવ-2 ચેપના સંપર્કમાં રહેલી વસતીના પ્રમાણને સર્વેલન્સ અને સમજવા માટે મજબૂત એન્ટી બોડી પરીક્ષણો મહત્વપૂર્ણ છે. એનઆઇવીએ કોવિડ માટે એન્ટી બોડી ડિટેક્શન સ્વદેશી આઇજીજી એલિસા પરીક્ષણ સફળતા પૂર્વક વિકસિત કર્યું છે. આ કીટનું ઉત્પાદન કરવા માટે ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને જવાબદારી આપવામાં આવી છે.
આ પરીક્ષણ મુંબઇના બે વિસ્તારોમાં માન્ય કરવામાં આવ્યું હતું અને તેમાં ઉચ્ચ સંવેદનશીલતા અને વિશિષ્ટતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પરીક્ષણમાં અઢી કલાકના સમયમાં એકસાથે 90 નમૂના ટેસ્ટ થઇ શકશે. એલિસા પરીક્ષણ જિલ્લા કક્ષાએ પણ સરળતાથી શક્ય બનશે. એનઆઇવી ટેકનોલોજીના વિકાસ પછી ઝાયડસ કેડિલા દ્વારા મોટાપાયે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ઝાયડસ કેડિલા ખાતે ઉત્પાદિત કીટ એનઆઇવી દ્વારા માન્ય કરવામાં આવી હતી. આ પરીક્ષણનું નિર્માણ એનઆઇવી પાસેથી તમામ સામગ્રી પ્રાપ્ત થયાના ચાર દિવસમાં કરવામાં આવ્યું હતું.
ઝાયડસના ચરમેન પંકજ પટેલે કહ્યું હતું કે અમારી આ ઉપલબ્ધિ રાષ્ટ્રને આરોગ્ય સંભાળ માટે અને કોરોના સામે લડવામાં મદદરૂપ થશે. આ ઉત્પાદન થકી અમે અમારી દરેક મોરચે કામ કરવાની પ્રતિબદ્ધતા રાખીએ છીએ. અમે માનીએ છીએ કે સમયની જરૂરિયાત પ્રમાણે દરેક પ્રકારની ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા પડે છે. આ કારણથી અમે વિનામૂલ્યે પ્રથમ તબક્કાનો પુરવઠો આરોગ્ય વિભાગને પ્રદાન કરી શકીએ છીએ. અમારો હેતુ આ મહામારી સામે લડવા દરેક રીતે સરકારને ટેકો આપવાનો છે.
વાયરસ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સમયે શરીરમાં જે એન્ટી બોડી પેદા થાય છે તેનો એક પ્રકાર આઇજીજી એલિસા છે. આ સૌથી સામાન્ય એન્ટી બોડી છે. તેની માહિતી સીરમ, પ્લાઝમા કે અન્ય દ્રવ્યોના સેમ્પલ દ્વારા મેળવી શકાય છે. આ ટેસ્ટ કીટની મદદથી આ એન્ટીબોડીની ઉપસ્થિતિ નક્કી કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 11મી મે એ માહિતી આપી હતી કે પૂનાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા સ્વદેશી આઇજીજી એલિસા ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે. આ ટેસ્ટ કીટની મદદથી જે લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા છે તેના સર્વેલન્સમાં મદદ મળશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.