છેલ્લા કેટલાક સમય થી પૃથ્વી ની આસપાસ અજીબ ફેરફાર જોવા મળી રહ્યા છે અગાઉ સૂર્ય માં લોકડાઉન સર્જાયા ની વાતો બહાર આવ્યા બાદ થઈ રહેલા ફેરફારો સમજવા માનવી નો પનો ટૂંકો પડી રહ્યો છે , કોરોના જેવા સંકટ ને નાથવા માં મોટામોટા વૈજ્ઞાનિકો ને પરસેવો છૂટી રહ્યો છે ત્યારે કુદરતી ફેરફાર સામે વૈજ્ઞાનિકો માત્ર અનુમાનો લગાવી રહ્યા છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના
વિજ્ઞાનીઓએ ચોંકાવનારી હકીકત જાહેર કરી છે કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે એક મોટા વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સતત નબળું પડી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં આવતા પૃથ્વી ના ક્ષેત્ર માં સેટેલાઈટ ને અસર થતા મોબાઇલ સેવા ઠપ થઈ શકે છે અને વિમાન સાથે કમ્યૂનિકેશન કરવું મુશ્કેલ થઈ શકે છે. પૃથ્વી પર જીવન માટે ચુંબકીય ક્ષેત્ર અત્યંત જરૂરી છે. તેના લીધે જ પૃથ્વી અંતરીક્ષ સાથે થતાં રેડિએશન અને સૂર્યમાંથી નીકળતાં આવેશિત કણોથી બચી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી ધ્રુવોમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઇ રહી છે. તે હેઠળ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એકબીજાનું સ્થાન લે છે. આવું છેલ્લે 7,80,000 વર્ષ પહેલાં થયું હતું.
નેનોટેસ્લા ઘટીને 22 હજાર થઈ
સ્પેસ એજન્સીએ તેના સ્વાર્મ સેટેલાઇટની મદદથી ડેટા એકત્રિત કર્યો છે. આ સેટેલાઈટ વિશેષ રૂપે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને તૈયાર કરનારા ચુંબકીય તરંગોની ઓળખ અને તેને માપવા માટે બનાવાયા છે. તેનાથી જાણ થાય છે કે આફ્રિકાથી લઈને દક્ષિણ અમેરિકા સુધી આશરે 10 હજાર કિમીના અંતરમાં પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્રની તાકાત ઓછી થઈ ચૂકી છે. સામાન્ય રીતે તે 32 હજાર નેનોટેસ્લા હોવી જોઇતી હતી પણ 1970થી 2020 સુધી તે ઘટીને 24 હજારથી 22 હજાર નેનોટેસ્લા થઈ ચૂકી છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ગત 200 વર્ષોમાં પૃથ્વીની ચૂંબકીય શક્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે. જર્મન વિજ્ઞાની જુરગેન મત્ઝકાએ કહ્યું કે પડકાર આ સંપૂર્ણ પ્રક્રિયાને સમજવાનો છે. હવે આપણે એ શોધવું પડશે કે પૃથ્વીમાં કેન્દ્રમાં થઈ રહેલાં પરિવર્તનથી કેટલું મોટું ફેરફાર થશે. શું તેનાથી પૃથ્વી પર કોઈ મોટી આપત્તિ આવશે? સામાન્ય રીતે પૃથ્વીની ચુંબકીય શક્તિ 2.50 લાખ વર્ષમાં બદલાય છે. જોકે, હાલ તેમાં અનેક વર્ષો બાકી છે.
પૃથ્વીની ચુંબકીય શક્તિથી જ આપણે રેડિએશનથી બચી શકીએ છીએ
ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે પેદા થાય છે, તેને આ રીતે સમજી શકાય છે. પૃથ્વીની અંદર ગરમ લોખંડનું વહેતું સમુદ્ર છે. તે પૃથ્વીની સપાટીથી આશરે 3000 કિમી નીચે હોય છે. તે ફરતું રહે છે. તેના ફરવાથી પૃથ્વીની અંદરથી ઈલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જે ઉપર આવતાં આવતાં ઈલેક્ટ્રો મેગ્નેટિક ફીલ્ડમાં રૂપાંતરિત થઈ જાય છે. પૃથ્વીની ચુંબકીય શક્તિથી જ અવકાશમાંથી આવતા રેડિએશનથી બચી શકાય છે પરંતુ હવે ધરતી ઉપર અને આકાશ માર્ગે થઈ રહેલા ફેરફાર ચિંતા ઉભી કરી રહ્યા છે જે કુદરતી શક્તિ સામે માનવી વામણો પુરવાર થઇ રહ્યો છે.