ગઈકાલે ઈદના દિવસે જ અમદાવાદથી ડૉમેસ્ટિક ફ્લાઈટો શરૂ કરવામાં આવી હતી. જેને પગલે 2 મહિના બાદ અમદાવાદ એરપોર્ટ ફરીથી ધમધમતું થયું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી દિવસભરમાં કુલ 90 ફ્લાઈટોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ માત્ર 30 થી 35 ફ્લાઈટો જ ઓપરેટ થઈ શકી હતી. આમ અનેક ફ્લાઈટો કેન્સલ થતા એરપોર્ટ પર આવેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અનેક પ્રવાસીઓ ફ્લાઈટ પકડવા માટે કલાકો પહેલા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જો કે પશ્ચિમ બંગાળ, કેરળ સહિતના રાજ્ય સરકારની નીતિઓના પગલે અને ઓછા બુકિંગના કારણે 630 જેટલી ફ્લાઈટો રદ્દ કરવામાં આવી હતી. જેના પગલે એરપોર્ટ પર પોતાની ફ્લાઈટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા અનેક મુસાફરોને નિરાશ થવાનો વારો આવ્યો હતો.
એરપોર્ટ પર પહોચેલા મુસાફરોની ફરિયાદ છે કે, તેમની ફ્લાઈટો અચાનક રદ્દ કરવામાં આવી રહી છે. એરલાઈન્સ તરફથી તેમને કોઈ જાણકારી પણ નથી આપવામાં આવી.
આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, સોમવારે કુલ 532 ફ્લાઈટ્સથી 39,231 મુસાફરોએ પ્રવાસ ખેડ્યો છે. જ્યારે 630 જેટલી ફ્લાઈટો કોઈને કોઈ કારણોસર રદ્દ કરવામાં આવી છે.