ગાંધીનગર – ગુજરાત સરકાર એવું માને છે કે કોરોના સંક્રમણના ટેસ્ટ ઓછા કરવાથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ઘટશે પરંતુ હકીકતમાં રાજ્યમાં મોટું જોખમ ઉભું થઇ રહ્યું છે. રાજ્યમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનું ઉદાહરણ આપવામાં આવે છે અને કહેવાય છે કે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેસો ઓછા છે પરંતુ આ સરખામણી એટલા માટે યોગ્ય નથી કે મહારાષ્ટ્રમાં ટેસ્ટની સંખ્યા ગુજરાત કરતાં અનેકગણી વધારે છે. સંભવ છે કે જેટલા ટેસ્ટ વધે તેટલા પોઝિટીવ કેસો વધવાની શક્યતા છે.
ગુજરાતે કોરોના સંક્રમણના જિલ્લાસ્તરના આંકડા આપવાનું બંધ કરી એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ છે પરંતુ ચિત્ર દેખાય છે તેટલું સફેદ નથી. રાજ્યના આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે રાજ્યમાં કોવિડના કેસો નિયંત્રિત થતાં બમણા થવાના દિવસો પંદર દિવસ પહેલાં 16 હતા તે વધીને 24.84 થયા છે. કોરોના પોઝિટીવ કેસોમાં દેશમાં અત્યારે ગુજરાતનો નંબર ચોથો છે. પહેલાક્રમે મહારાષ્ટ્ર, બીજાક્રમે તામિલનાડુ અને ત્રીજાક્રમે દિલ્હી છે.
બીજી તરફ અમદાવાદનું ઉજળું ચિત્ર બતાવી એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે અમદાવાદમાં પંદર દિવસ પહેલાં કોરોના કેસ બમણાં થવાના દિવસો 13 હતા તે વધીને આજે 25.08 થયાં છે. ભારત સાથે સરખામણી કરતાં સરકારે કહ્યું છે કે કેસ બમણાં થવાનો ભારતનો દર 13.97 હતો પરંતુ રાજ્યમાં તે 24.84 થયો છે. સરકારે એવું કહીને પણ સંતોષ મેળવ્યો છે કે 27મીએ પુરા થતાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 376 થઇ છે જેની સામે 410 દર્દીઓ સાજા થયાં છે.
ગુજરાતમાં આજે પણ અમદાવાદ કોરોના સંક્રમણના પોઝિટીવ કેસોમાં રાજ્યમાં નંબરવનના સ્થાને છે. પ્રતિદિન અમદાવાદમાં 250 થી 275ની આસપાસ કેસો નોંધાય છે. બીજાક્રમે સુરત અને ત્રીજાક્રમે વડોદરા આવે છે. સરકાર કહે છે કે અત્યાર સુધી 7547 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ 6628 દર્દીઓ સ્ટેબલ છે અને મૃત્યુઆંક 938 થયો છે. ગુજરાતના કુલ ટેસ્ટની સંખ્યા 193863 છે, જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં 352319 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2190 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 56948 છે જ્યારે 1997 દર્દીઓના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં 405020 જેટલા ટેસ્ટ થયાં છે. એટલે કે ગુજરાત કરતાં બમણાં ટેસ્ટ કરવામાં આવેલા છે. તામિલનાડુમાં પણ 442970 ટેસ્ટ થયાં છે અને પોઝિટીવ કેસનો આંકડો 18545 છે જ્યારે દિલ્હીમાં 184362 ટેસ્ટ થયાં છે અને કેસની સંખ્યા 15257 જોવા મળી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.