કોરોના વાયરસે ભારત ને પોતાના મજબૂત અજગર ભરડા માં લઇ ચૂક્યું છે. ગતસાંજ સુધીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ ના 7,135 નવા દર્દી નોંધાતા કુલ આંકડો 1,60,666 ઉપર પહોંચી ગયો છે,સાથે જ એશિયામાં સૌથી વધુ દર્દી ની સંખ્યા સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ 1,59,797 દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા ક્રમે પહોંચી ગયું છે.
લૉકડાઉન 4 પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યાર પછીની વ્યૂહનીતિ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ચર્ચાવિમર્શ પણ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી વધુ સંક્રમિત 13 શહેર પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને નગર નિગમ કમિશનરો સાથે એક વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ પણ સામેલ હતા,જેઓ હવે પછી ના તબબકા માં શુ કરવું તે અંગે નિર્ણય કરશે જો લોકડાઉન માં બધું બંધ કરી દે તો તેની સીધી અસર આવક પર પડે અને જો ખોલવાની મંજૂરી અપાય તો કોરોના વકરે તેવી સ્થિતિ વચ્ચે કોઈ નવો વિકલ્પ વિચારાય તેવી અટકળો ચાલી રહી છે. હાલ જે આંકડા આવી રહ્યા છે તે ટેસ્ટિંગ કરતા માલુમ પડેલા આંકડા છે પણ હજ્જારો લોકો ના ટેસ્ટીગ થયા જ નથી તેથી કોઈ ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
