લાઈટ એન્ડ સાઉન્ડ શો થી બાણસ્તંભ સુધી, મંદિર પરિસરની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા
રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી સંજયસિંહ મહીડા ગીર સોમનાથ જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીએ ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ મેળવ્યા હતા અને આ પવિત્ર ભૂમિ પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
ગર્ભગૃહમાં પૂજા-અર્ચના અને શ્રદ્ધાપૂર્વક આરાધના
મંત્રીશ્રીએ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં જઈને ભોળાનાથને ગંગાજળ અર્પણ કર્યું હતું. તેમણે અત્યંત ભક્તિભાવ સાથે પલાંઠી વાળીને બેસી ભગવાનની આરાધના કરી હતી. સમગ્ર પૂજાવિધિ દરમિયાન તેઓ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. દર્શન બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરી તેમને સ્મૃતિચિહ્ન અને પ્રસાદની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમની સાથે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંદિર પરિસર અને બાણસ્તંભના ઐતિહાસિક મહત્વની જાણકારી
દર્શન કર્યા બાદ મંત્રીશ્રીએ સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ચાલતા ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ હેઠળની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને, તેમણે સમુદ્ર કિનારે આવેલા ઐતિહાસિક ‘બાણસ્તંભ’નું ભૌગોલિક અને આધ્યાત્મિક મહત્વ જાણવામાં ખૂબ રસ દાખવ્યો હતો. આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી વિનોદ જોશી અને મામલતદાર આર. પરસાણિયા સહિત સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમની સાથે રહી વ્યવસ્થાઓની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

