ગુજરાત માં ચકચાર જગાવનાર કડી પોલીસે લોકડાઉન દરમિયાન રૂ.12.14 લાખનો દારૂ વેચી માર્યો હોવાનો મોટો ખુલાસો થતા સનસનાટી મચી ગઇ છે. આ ઘટના માં મુદ્દામાલની થયેલી ગણતરીમાં રૂ 3.09 લાખની કિંમતની દારૂની 1159 બોટલો ગુનામાં કબજે કર્યા સિવાયની પણ બોટલો મળી આવી છે. મામલે કડી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ ઓ.એમ. દેસાઇ અને પીએસઆઇ કે.એન. પટેલ સામે કાવતરા સહિતની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. બીજીબાજુ, સીટની તપાસમાં હજુ પણ પોલીસ કર્મચારીઓના નામ ખુલવાની શક્યતાને લઇ પોલીસબેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
રૂપિયા 12.14 લાખનો દારૂ વેચી મારવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી છે અને 3.09 લાખનો દારૂ ગુનામાં કબજે કર્યા સિવાયનો મળી આવ્યો, અન્ય પોલીસોના નામ પણ ખુલવાની શક્યતા રહેલી છે.
કડી દારૂકાંડની ડીજીના આદેશથી ગાંધીનગર એસપીના વડપણ હેઠળ ચાલી રહેલી સીટની તપાસમાં કડી પોલીસે છેલ્લા 4 વર્ષમાં કબજે લીધેલા દારૂના મુદ્દામાલની ગત 25 અને 26 મે દરમિયાન વીડિયોગ્રાફી સાથે ઉચ્ચ અધિકારીઓ અને 3 પંચોની હાજરીમાં કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પી.એ. પરમાર દ્વારા ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ગુનામાં કબજે કરેલા મુદ્દામાલ પૈકી રૂ. 12,14,338નો 5974 બોટલ દારૂ ઓછો મળી આવ્યો હતો. જ્યારે રૂ.3,09,700નો 1159 બોટલ દારૂ કોઇપણ ગુનામાં કબજે કર્યા સિવાયનો વધારાનો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.
પીઆઇ ઓ.એમ. દેસાઇ અને પીએસઆઇ કે.એન. પટેલે વિવિધ ગુનામાં કબજે કરેલો દારૂ આર્થિક લાભ મેળવવા વેચી કે અન્ય કોઇ કારણોસર પોલીસ સ્ટેશનમાંથી અન્ય સ્થળે લઇ જવાની સાથે કબજે લેવાયો ન હોય તે દારૂ પોલીસ સ્ટેશનમાં મૂકી રાખી ગેરરીતિ આચરી હોવાનું સ્પષ્ટ થતાં કડી પોલીસ સ્ટેશનના એએસઆઇ દિલીપભાઇ ભુરજીભાઇએ બંને અધિકારી અને તપાસમાં જેમના નામ ખુલે તેની સામે આઇપીસી કલમ 409, 431, 201, 120બી, 34 અને પ્રોહિબિશન એક્ટ કલમ 66ઇ, 81, 83, 116 બી મુજબ ફરિયાદ નોંધાવી છે.આમ પોલીસવાળા પણ બરોબાર દારૂ વેચી બુટલેગર ની ભૂમિકા માં આવી જતા ગુજરાત માં દારૂબંધી બરાબર રંગ લાવી રહી છે.
