સુપર સ્પ્લેન્ડર કરતા પણ સસ્તી થઈ આ ઇલેક્ટ્રિક બાઇક: 200 કિમીથી વધુની રેન્જ અને આકર્ષક કિંમત
હોળીના તહેવાર નિમિત્તે જો તમે નવી ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. ઓલા ઇલેક્ટ્રિકે (Ola Electric) તેના ‘હોળી મહોત્સવ’ કેમ્પેઈન હેઠળ પોતાની રોડસ્ટર ઇલેક્ટ્રિક મોટરસાઇકલની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે આ બાઇકની શરૂઆતની કિંમત લોકપ્રિય પેટ્રોલ બાઇક હીરો સુપર સ્પ્લેન્ડર કરતા પણ ઓછી થઈ ગઈ છે.
ઓલા રોડસ્ટરની નવી કિંમતો અને વેરિએન્ટ્સ
ઓલાએ એન્ટ્રી-લેવલના ગ્રાહકોને આકર્ષવા માટે Roadster ઇલેક્ટ્રિક મોટરસાઇકલની શરૂઆતની કિંમત માત્ર ₹79,999 કરી દીધી છે. કંપનીના અલગ-અલગ વેરિએન્ટ્સની વિગત નીચે મુજબ છે:
- Ola Roadster X: આમાં 3.5 kWh અને 4.5 kWh બેટરી પેકના વિકલ્પો મળે છે, જેની કિંમત અનુક્રમે ₹92,999 અને ₹99,999 છે.
- Ola Roadster X+: આ પ્રીમિયમ વેરિએન્ટ 4.5 kWh અને 9.1 kWh બેટરી પેક સાથે આવે છે. જેની કિંમત ₹1.10 લાખથી શરૂ થઈને ₹1.89 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
- રેન્જ: આ બાઇકમાં ગ્રાહકોને એકવાર ચાર્જ કરવા પર અંદાજે 196 થી 201 કિમી સુધીની શાનદાર રેન્જ મળી રહે છે.
મુહૂર્ત મહોત્સવ: મર્યાદિત સમય માટે ખાસ ઓફર
કંપનીએ ‘મુહૂર્ત મહોત્સવ’ નામની એક વિશેષ ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ બે દિવસ દરમિયાન નક્કી કરેલા 90 મિનિટના શુભ મુહૂર્તમાં ગ્રાહકો મર્યાદિત સંખ્યામાં ખાસ તહેવારના ભાવે બાઇક ખરીદી શકશે. આ ઉપરાંત, ‘ઓલા ઇનસાઇડર્સ’ કોમ્યુનિટીના જૂના ગ્રાહકોને આ મુહૂર્ત દરમિયાન ₹5,000નો વધારાનો ફાયદો પણ મળશે.
8 વર્ષની વોરંટી અને એક્સચેન્જ ઓફર
ગ્રાહકોનો ભરોસો જીતવા માટે ઓલા અમુક S1 Pro અને S1 Pro+ સ્કૂટર મોડલ્સ પર મર્યાદિત સમય માટે 8 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પણ આપી રહી છે. જો તમે તમારું જૂનું સ્કૂટર એક્સચેન્જ કરીને નવું મોડલ ખરીદવા માંગતા હોવ, તો નવી જનરેશનના S1 ઇલેક્ટ્રિક સ્કૂટર અને રોડસ્ટર બાઇક પર ₹50,000 સુધીનો મોટો ફાયદો મળી શકે છે.
વધુમાં, જે ગ્રાહકો પોતાના નામે બીજી ઓલા ગાડી ખરીદે છે, તેમને કેશબેક અને સોફ્ટવેર અપડેટ્સના સ્વરૂપે ₹20,000 સુધીનો લાભ મળવાપાત્ર છે. આમ, ઓલાએ આ હોળી પર પેટ્રોલ ગાડીઓ છોડીને ઇલેક્ટ્રિક તરફ વળવા માંગતા ગ્રાહકો માટે લાલ જાજમ બિછાવી છે.

