ગુજરાતમાં અમારી સરકાર આવશે તો દારૂબંધી 100 દિવસ માં દૂર કરીશું ની ખુલ્લી જાહેરાત કરી ને એકાએક લાઈટ માં આવી ગયેલા શંકરસિંહ વાઘેલા ને પાર્ટી એ સાઈડ માં ધકેલી દેતા ફરી એકવાર વાઘેલા પાર્ટી થી નારાજ થઈ ગયા છે.
વિગતો મુજબ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ તરીકે જયંત પટેલ ઉર્ફે બોસ્કીને પાર્ટીએ ડિકલેર કરી દીધા છે જેને લઈ શંકરસિંહ વાઘેલા નારાજ થઈ ગયા છે .તેઓએ કોરોના દરમ્યાન ગુજરાત સરકાર વિરુદ્ધ અભિયાન છેડી સોશિયલ મીડિયા થકી લોકોમાં લોકપ્રિય બનવા પોતાનો ગ્રાફ વધારી રહ્યા હતા, પરંતુ વાઘેલાના આ અભિયાનને પછડાટ આપવા તેજ સમયે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના જ દિગ્ગજ નેતાઓએ ખાસ વ્યૂહરચના તખ્તો ગોઠવી દીધી હતી તેવું ખુદ વાઘેલાના જ ખાસ સમર્થકોમાં ચર્ચા છે.
અમિત શાહે એનસીપીના મહામંત્રી પ્રફુલ પટેલ પર દબાણ વધાર્યું
વાઘેલા ગુજરાતમાં વધુ સક્રીય ન બને અને તેમની નારાજગી વધે તે માટે ગૃહમંત્રી અમિત શાહે એનસીપીના મહામંત્રી પ્રફુલ પટેલ પર દબાણ વધાર્યું હોવાનું વાઘેલાના કેટલાંક સમર્થકો માને છે. તે ઉપરાંત કોંગ્રેસના અહેમદ પટેલ પણ વાઘેલા સાથેની કોંગ્રેસ કાળની જૂની દુશ્મની ઉતારવા પ્રફુલ પટેલને આમ કરવા દબાણ કર્યું હતું તેમ પણ વાઘેલાના સમર્થકો માને છે.
આ અંગે વાઘેલાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેઓ જલ્દી જાહેર ખુલાસો કરશે. જાણવા મળ્યું છે કે વાઘેલા ચાહે છે કે ગુજરાતના એકમાત્ર એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મળે. ભાજપ નરહરિ અમીનને જીતાડવા કાંધલ જાડેજાનો મત તેમને મળે તે માટે પ્રયત્નશીલ છે.આમ રાજકીય કાવાદાવા વચ્ચે ફરી એકવાર રાજનીતિ માં શંકરસિંહ સાઈડ ટ્રેક થયા છે.
