કોરોના ની હાડમારી વચ્ચે લોકડાઉન માં થોડી છૂટછાટ આવતા ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે અગાઉ મુલત્વી રાખવામાં આવી હતી તે હવે આગામી તા.19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયુ છે અને કોણ કેટલા માં વેચાશે ની અટકળો પણ બરાબર ની જામી છે.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને આ માટે ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે થનારાજંગમાં 19 ના રોજ મતદાન અને મત ગણતરી પણ યોજાશે,જોકે, જે રીતે હાલ માં ધારાસભ્યોની જે સ્થિતિ છે, તે પ્રમાણે ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો આસાનીથી જીતી શકે તેમ હતા, પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની બેઠકો 99થી વધારીને 103 સુધી પહોંચાડી છે, ગુજરાતમાં ચાર બેઠકો માટે ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોના એક-એક મતનું ઘણું જ મહત્વ છે. વિધાનસભામાં હાલ કુલ 174 ધારાસભ્યો છે. પાંચ ઉમેદવાર મેદાનમાં છે. તેથી આ ગણિત મુજબ એક ઉમેદવારને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપે તેના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. પરંતુ હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યા બળ છે. આ સિવાય પણ ભાજપને સીધી જીત માટે એનસીપીના કાંધલ જાડેજા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બંને ધારાસભ્યોના મત પણ લેવા પડે તેવી સ્થિતિ છે. સામા પક્ષે કોંગ્રેસને તેના બે ઉમેદવારને જીતાડવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ પરંતુ તેની પાસે 68 મત છે અને આ સંજોગો માં એક ધારાસભ્ય પણ તૂટે તો તેના સભ્યોની સંખ્યા 67 થઇ જાય તેમ છે. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને બે મત ખૂટે તેમ છે, આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરિ અમીન જીતી જાય તેવું ગણિત છે.
ભાજપ પાસે 103 ધારાસભ્યો છે અને એ તમામ સેકન્ડ પ્રેફરન્સ નરહરિ અમીનને જ આપે આમ સીધી જીત હોવા છતાં ભાજપ હજુ પણ કોંગ્રેસના બે ધારાસભ્યો ને સાથે લાવવા માટે મહેનત વધારી હોવાનું કહેવાય છે. કારણકે ભાજપને આ ત્રણ પૈકી એકપણ સીટ ખોવા નથી માંગતું. ગત રાજ્યસભા ચૂંટણી દરમિયાન સિનિયર નેતા આર. સી. ફળદુએ મત આપવામાં ભૂલ કરી હતી અને તેમનો મત રદ થયો હતો. આવા સમયે ભાજપ જોખમ ઉઠાવવા માંગતું નથી.
