ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. ચોમાસું પૂરબહારમાં ખીલ્યું હોય એમ અત્યારથી જ નદીઓ ખળખળ વહેવા લાગી છે. ત્યારે ભાવનગરમાં બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. દેમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જ્યારે રસ્તાઓ પણ પાણીથી રેલમછેલ થઈ ગયા હતા.
ભરતનગરના યોગેશ્વરનગર અને કાળિયાબીડ સાગવાડીમાં મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાડમારી વેઠવી પડી હતી. ઘણા લોકોનું અનાજ તેમજ ઘરવખરી પણ પલળી ગઈ હતી. એ જ રીતે હાદાનગર કુંભારવાડા, સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ એ જ હાલત જોવા મળી હતી. જ્યારે ઘોઘા સહિત ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજી માટે લાવવામાં આવેલી ડુંગળીનો પાક પલળી ગયો હતો. જ્યારે મહુવાના વાઘનગરમાં બુટિયો નદીના ઘોડાપૂર આવતાં પાંચ ગાયો પાણીમાં તણાઈ હતી. પરંતુ તંત્રની સમયસૂચકતાથી તણાયેલી ગાયોનો આબાદ બચાવ થયો હતો.
અમરેલીના બાબરાના નીલવડામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદને કારણે અનેક ચેકડેમો શરૂઆતના તબક્કામાં જ છલકાયા હતા. જ્યારે સાવરકુંડલા નજીકનાં ગામોમાંે ભારે વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી પંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. લિલિયાના બવાડી, ઇંગોરાળાના કોઝવે પર અને સાવરકુંડલાના જેસર રોડ પર પણ પાણી ભરાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાંભામાં પણ સતત ચોથા દિવસે વરસાદ થયો હતો.
રાજકોટમાં પણ મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતાં ધરતી જળ તરબોળ થઈ હતી. બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ પાણી વરસતાં ગોંડલના કંટાલિયામાં પૂરનાં પાણીમાં ચાર યુવાન તણાઈ ગયા હતા. જેની જાણ થતાં જ ગોંડલ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. અને ત્રણને ભારે જહેમત બાદ બચાવી લીધા હતા. જો કે, તણાઈ ગયેલા એકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ગોંડલ શહેરના કાશી વિશ્વનાથ રોડ પર કેડસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.