પ્રવાસી મજૂરોને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, પ્રવાસી મજૂરોને 15 દિવસની અંદર પોતાના વતન મોકલવામાં આવે. પ્રવાસી મજૂરોને નોકરી આપવા માટે એક યોજના તૈયાર કરવામાં આવે અને તેમના માટે કાઉન્સિલિંગ સેન્ટર પણ બનાવવા આવે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, પ્રવાસી મજૂરોની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા લોકડાઉનના ઉલ્લંઘનના કેસને પરત લેવામા આવે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વ્યવસ્થિત રીતે પ્રવાસી મજૂરોની ઓળખ માટે એક યાદી તૈયાર કરવા માટે જણાવ્યું છે. કોર્ટે સરકારોને મજૂરોની સ્કિલ મેપિંગ તૈયાર કરવા જણાવ્યું છે જેથી એ નક્કી કરવામાં સરળતા રહે કે તેમને સ્કીલ અને અનસ્કીલ કામ સોંપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તમામ પ્રવાસી મજૂરોને આજથી 15 દિવસોની અંદર તેમના વતન મોકલવામાં આવે. માગણીના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય મજૂરોને રોજગાર આપવા માટે યોજનાઓ રજૂ કરે. તમામ રાજ્ય સરકાર પોતાની સ્કીમ કોર્ટને આપે જેમાં એ વાતનો ઉલ્લેખ હોય કે પ્રવાસી મજૂરોને રોજગાર આપવા માટે તેમની પાસે કઈ યોજના છે.