સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ ઝંઝાવાતી બેટિંગ કરતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને આ બધા વચ્ચે બનેલા કરૂણ બનાવ માં બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે નદી અને વોંકળાઓ પાણી થી તરબોળ બન્યા હતા અને પુર આવ્યું હતું. બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાયા હતા. જેમાં 4 લોકોના કરુણ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને આ બનાવ માં સદનસીબે 3 લોકોનો બચાવ થયો છે. આ ઘટનામાં એક બળદનું પણ મોત નીપજ્યું છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ દોડી આવી હતી અને તણાયેલાઓ ની શોધખોળ કરતા ચારેયના મૃતદેહ ખીજડીયા ગામ નજીકથી મળી આવ્યા હતા.
વરસાદ ચાલુ થતા 7 લોકો વાડીએથી પોતાના ઘરે બળદગાડામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે પાણીના વોંકળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 7 લોકો સાથે બળદગાડું તણાયું હતું. મૃતકોના મૃતદેહોને પીએમ માટે બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના ને પગલે સમગ્ર પંથક માં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે અને ભારે વરસાદી માહોલ માં હવે લોકો બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે.
