નાગરિકોને ડિજિટલ સેવા આપવા વડોદરામાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ, સાંસદ હેમાંગભાઈ જોશીની નવતર પહેલ
વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોશીએ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે એક નવીન પહેલ કરી છે. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘એમપી ઓફિસ ઈ-પોર્ટલ’નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલનો મુખ્ય હેતુ નાગરિકો અને તેમના જનપ્રતિનિધિ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. હવે વડોદરાના રહિશોએ પોતાની રજૂઆતો કે કામકાજ માટે સાંસદ કાર્યાલયના ધક્કા ખાવા પડશે નહીં, કારણ કે તમામ સુવિધાઓ હવે તેમના મોબાઈલ પર ઉપલબ્ધ છે.
મોબાઈલ પર એક ‘Namaste’ થી મળશે સાંસદ કાર્યાલયની સેવાઓ
આ ડિજિટલ સુવિધાનો લાભ લેવો ખૂબ જ સરળ છે. નાગરિકોએ માત્ર 95127 69834 નંબર પર વોટ્સએપ દ્વારા “Namaste” લખીને મેસેજ કરવાનો રહેશે. મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલ સ્ક્રીન પર એક મુખ્ય મેનુ ખુલશે, જેના દ્વારા સાંસદ સાથે મુલાકાત માટેની અપોઈન્ટમેન્ટ, આગામી કાર્યક્રમોનું શેડ્યૂલ અને સોશિયલ મીડિયા લિંક્સ જેવી માહિતી મેળવી શકાશે. હાલમાં આ પોર્ટલ અંગ્રેજીમાં છે, પરંતુ ટૂંક સમયમાં તે ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ કાર્યરત થશે.
MP-LADS અને સરકારી યોજનાઓની માહિતી હવે ફિંગરટિપ્સ પર
આ પોર્ટલ માત્ર રજૂઆતો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પારદર્શિતા લાવવાનું માધ્યમ પણ છે. નાગરિકો એમપી લેડ્સ (MP-LADS) હેઠળ તેમના વિસ્તારમાં કયા વિકાસકાર્યો થઈ રહ્યા છે તેની વિગતો જાણી શકશે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આ પોર્ટલ પરથી સરળતાથી મળી રહેશે. આ વ્યવસ્થાથી સામાન્ય જનતાને યોજનાઓનો લાભ લેવામાં ઘણી સરળતા રહેશે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
દિલ્હીમાં હોય ત્યારે પણ સાંસદ સાથે રહેશે સીધો સંવાદ
જ્યારે લોકસભાનું સત્ર ચાલતું હોય અને સાંસદ દિલ્હીમાં હોય, ત્યારે પણ વડોદરાના નાગરિકો આ પોર્ટલ મારફતે પોતાની ફરિયાદો કે સૂચનો મોકલી શકશે. આ રજૂઆતો સીધી સાંસદ કાર્યાલય સુધી પહોંચશે અને તેનો ઇમેઇલ કે ટેલિફોન દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને વડોદરાના અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ઈ-ગવર્નન્સ ક્ષેત્રે વડોદરા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

