ડિજિટલ ગુજરાતમાં મોટો સુધારો, પ્રમાણપત્રોથી લઈને રેશનકાર્ડ સુધીની 20 સેવાઓ હવે ઘરે બેઠા ઉપલબ્ધ
ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC)ની ભલામણોને આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નાગરિકો માટે મોટી રાહત જાહેર કરી છે. વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગોની ૨૦ સેવાઓને હવે સંપૂર્ણપણે ઓનલાઇન કરી દેવામાં આવી છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટને વેગ આપવાનો છે, જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર આંગળીના ટેરવે સેવાઓ મળી રહે. દર વર્ષે પ્રાપ્ત થતી અંદાજે ૧.૨૦ કરોડ અરજીઓમાંથી ૮૭ લાખ જેટલી અરજીઓ માત્ર આ ૨૦ સેવાઓ માટે જ હોય છે, જે આ ફેરફારનું મહત્વ દર્શાવે છે.
મહેસૂલ, રેશનકાર્ડ અને જાતિના દાખલા મેળવવા બન્યા આસાન
આ ઓનલાઇન સેવામાં પાંચ મુખ્ય વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ૧૧ સેવાઓ જેવી કે SEBC, SC, EWS પ્રમાણપત્રો અને આવકના દાખલા હવે ઘરે બેઠા મળી શકશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું કે નવું રેશનકાર્ડ કઢાવવા જેવી છ સેવાઓ ડિજિટલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગની નકલ મેળવવાની વિનંતી, કાયદા વિભાગના સોગંદનામા અને આદિજાતિ વિકાસ વિભાગના ST જાતિના પ્રમાણપત્ર માટે પણ હવે ઓનલાઇન અરજી કરી શકાશે. આ વ્યવસ્થાથી ડેટાનો પુનઃ ઉપયોગ શક્ય બનશે, જેથી નાગરિકોએ વારંવાર વિગતો ભરવી નહીં પડે.
ટેકનોલોજીના ઉપયોગથી દસ્તાવેજોની માથાકૂટમાં ઘટાડો
સરકારે આ સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે બિનજરૂરી દસ્તાવેજોની માંગણી નાબૂદ કરી છે. હવે આધારકાર્ડ આધારિત ઓળખ, DigiLocker ઇન્ટિગ્રેશન અને API દ્વારા ઓનલાઇન રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે. અરજી કરનાર નાગરિકોની સુવિધા માટે eSign, WhatsApp દ્વારા પ્રમાણપત્ર વિતરણ અને QR કોડ ધરાવતા સર્ટિફિકેટ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. પેમેન્ટ માટે પણ UPI જેવી ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં સરકાર ગુજરાતી ભાષાના AI મોડલ્સ બનાવવા જેવા આધુનિક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે, જે ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવશે.
સમય અને નાણાંની બચત સાથે વહીવટમાં આવશે પારદર્શકતા
આ ડિજિટલ પરિવર્તનને કારણે વહીવટી સ્તરે મંજૂરીના તબક્કાઓ ઘટશે, જેનાથી અરજીના નિકાલમાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે. સેવાઓ ‘ફેસલેસ’ બનતા ભ્રષ્ટાચારની શક્યતાઓ નહિવત થશે અને નાગરિકોને પારદર્શક સેવા મળશે. કચેરીએ જવાની જરૂર ન હોવાથી લોકોના પરિવહન ખર્ચ અને સમયની મોટી બચત થશે. ડેટા ઇન્ટિગ્રેશનને કારણે સરકારી દસ્તાવેજોમાં થતી માનવીય ભૂલો પણ ઘટશે અને પ્રમાણપત્રો વધુ વિશ્વસનીય બનશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે.

