શહેરમાં કામધંધા અને વેપાર શરૂ થઇ ગયા બાદ કોરોનાની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે જેને પગલે ખાનગી હોસ્પિટલો ઉપરાંત મોટા ભવનોને પણ કોવિડ સેન્ટરમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. થોડા દિવસ પૂર્વે જ ચેમ્બરના સરસાણા સ્થિત ક્ન્વેન્શન સેન્ટરમાં 700 બેડની હોસ્પિટલ બનાવવા વિચારણા કરવામાં આવી હતી. બુધવારે તંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા ખાતેના ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટરનો કબ્જો લેવા માટે કલેક્ટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને પત્ર મોકલી આપવામાં આવ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા કલેક્ટર અને સુરત મનપા કમિશનર દ્વારા મંગળવારે સરસાણાના ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટરની મુલાકાત લઈ સ્થળ સમીક્ષા કરવામાં આવી છે. ત્યાર બાદ બુધવારે કલેક્ટર કચેરી તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં કોવિડ-19ના દર્દીઓની સારવારના હેતુથી ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટરનો કબજો એપેડમિક એક્ટ હેઠળ લેવાનો આદેશ કરાયો છે.
આ અંગે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વઘી રહી છે તે જોતા અમે અગાઉ તંત્રને સરસાણાના કન્વેન્શન સેન્ટરનો ઇમરજન્સી સમયમાં ઉપયોગમાં લેવા માટે તૈયારી બતાવી હતી. હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્રએ કન્વેન્શન સેન્ટરને કોવિડ સેન્ટરમાં ફેરવવાનું નક્કી કર્યું છે.
શહેરમાં વધી રહેલા પોઝિટિવિટી રેટને પગલે સુરત મનપા કમિશનરે લોકોને વધુ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે જ મનપા કમિશનરે જણાવ્યું છે કે, હાલમાં અનલોકમાં છૂટછાટ મળી છે. ત્યારે તમામ લોકો કામકાજ પર પાછા ફર્યા છે. અને જેઓ દિવસમાં વધુ લોકોને મળી રહ્યા છે તેમને ઈન્ફેક્શન લાગવાનું પ્રમાણ વધારે છે. સુરતમાં જે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે તેમાં ફાયનાન્સર, બેંકના મેનેજર, સુપર સ્પ્રેડરો વધુ છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ડાયમંડ અને ટેક્સટાઈલ યુનિટમાં કેસ વધુ મળી રહ્યા છે. જેથી આવનારા દિવસોમાં આવાં ટેક્સટાઈલ યુનિટ અને ડાયમંડ યુનિટ કે જેમાં વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેની યાદી તૈયાર કરી જાહેર કરવામાં આવશે અને થોડા દિવસ માટે સીલ સુધ્ધા કરવામાં આવશે. તેમજ કતારગામ વિસ્તારમાં પાથરણા, ચાની લારીવાળા કે જેઓ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.