IND vs NZ: જો વરસાદને કારણે ફાઈનલ મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો શું કહે છે ICCના નિયમો
ટી20 વર્લ્ડ કપ 2026નો મહામુકાબલો હવે આપણી સામે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ફાઈનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને ટ્રોફી જીતવા માટે આતુર છે. પરંતુ, ક્રિકેટ ચાહકોના મનમાં એક જ મોટો પ્રશ્ન છે: જો આ મહત્વની મેચમાં વરસાદ વિધ્ન બને તો શું થશે? આ સ્થિતિ માટે ICCએ ખાસ નિયમો બનાવ્યા છે.
ફાઈનલ મેચ માટે શું છે ICCના ખાસ નિયમો?
અમદાવાદમાં રમાનારી આ ફાઈનલ મેચ માટે ICCએ પૂરી તૈયારી કરી લીધી છે. આઈસીસીના નિયમો મુજબ, મેચ ઓફિશિયલ્સનો પ્રથમ પ્રયાસ એ જ રહેશે કે રમત રમાય અને પરિણામ આવે.
રિઝર્વ ડે (Reserve Day): ફાઈનલ મેચ માટે 9 માર્ચનો દિવસ ‘રિઝર્વ ડે’ તરીકે રાખવામાં આવ્યો છે. જો 8 માર્ચે વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે અથવા અધૂરી રહે, તો તે 9 માર્ચે રમાશે.
રમત ક્યાંથી શરૂ થશે?: જો 8 માર્ચે મેચ શરૂ થઈ ગઈ હોય અને અમુક ઓવરો રમાયા બાદ વરસાદ પડે, તો રિઝર્વ ડે પર રમત ત્યાંથી જ આગળ વધારવામાં આવશે જ્યાંથી તે અટકી હતી.
વધારાનો સમય અને ઓવરો: ICCએ આ મેચ માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવ્યો છે. જો સમય ઓછો હોય તો ઓવરો ઘટાડીને પણ મેચ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે, પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 10-10 ઓવર રમવી ફરજિયાત છે.
જો બંને દિવસ વરસાદ પડે તો ટ્રોફી કોને મળશે?
ઘણીવાર એવું બને છે કે નિર્ધારિત દિવસ અને રિઝર્વ ડે બંને દિવસે મેચ શક્ય ન બને. જો 8 માર્ચ અને 9 માર્ચ બંને દિવસે વરસાદને કારણે મેચ રદ કરવી પડે અથવા 10-10 ઓવરની રમત પણ શક્ય ન બને, તો ICCના નિયમ મુજબ ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
આવી સ્થિતિમાં બંને ટીમો ટ્રોફી શેર કરશે. નોંધનીય છે કે ભારતીય ટીમ સાથે આવું પહેલા પણ બની ચૂક્યું છે. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ વરસાદને કારણે રદ થતા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક
ભારતીય ટીમ હાલમાં વર્તમાન ચેમ્પિયન છે. 2024ના ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે ટાઇટલ જીત્યું હતું. જો ટીમ ઈન્ડિયા આ વખતે ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે, તો તે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બનીને ઈતિહાસ રચશે. ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાની તાકાત બતાવી દીધી છે, તેથી મુકાબલો કાંટાનો રહેશે તેમાં કોઈ શંકા નથી.

