દેશમાં એક દિવસમાં 10,000 કેસ નોંધાવા સાથે ગુરૂવારે કુલ કેસનો આંકડો 2.90 લાખની પાસે પહોંચી ગયો હતો. તેની સાથે જ જૂન મહિનામાં અત્યાર સુધીમાં દેશમાં નવા લગભગ એક લાખ કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે જ ભારત કોરોના કેસ મામલે દુનિયામાં ચોથા ક્રમે આવી ગયું છે. અત્યાર સુધી તે પાંચમા ક્રમે ચાલતું હતું. ભારત હવે યુકેથી આગળ નીકળી ગયું છે અને કોરોનાથી કુલ મોત મામલે કેનેડાથી આગળ નીકળી 11મા ક્રમે આવી ગયું છે.
આજે એક જ દિવસમાં વિક્રમી 350થી વધુ મોત થવાની સાથે મરણાંક પણ 8,500ના આંક નજીક પહોંચી ગયો છે. જેમાંથી લગભગ એક તૃતિયાંશ મરણાંક લોકડાઉનના નિયમોને હળવા કરાયા તે 1લી જૂનથી 11 દિવસમાં નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના સવારના અપડેટમાં જણાવ્યું હતું કે બુધવાર સવારે 8 વાગ્યાથી છેલ્લા 24 કલાકમાં 9996 નવા કેસ નોંધાવા સાથે કુલ કેસનો આંકડો 2,86,579 પર પહોંચી ગયો છે.
જ્યારે મરણાંકમાં પણ એક જ દિવસમાં સર્વાધિક 357નાં મોત થવા સાથે કુલ મરણાંક 8,102 પર પહોંચ્યો છે. જો કે અલગઅલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓને ધ્યાને લેતા રાત્રે 9.20 વાગ્યે કુલ કેસનો આંકડો 2.89 લાખની નજીક પહોંચી ગયો છે, જ્યારે મરણાંક પણ 8,485 પર પહોંચ્યો છે. દેશમાં 1લી જૂને કુલ કેસનો આંકડો 1.90 લાખની પાસે હતો અને મરણાંક પણ 5400થી ઓછો હતો. જ્યારે કેસનો આંકડો દરરોજ 9500-10,000 સુધી સતત સાત દિવસથી વધતો રહ્યો હતો ત્યારે પહેલીવાર એક દિવસમાં મરણાંક 300ના આંકડાને વટાવી ગયો છે.
હકારાત્મક બાબત એ છે કે સતત બીજા દિવસે એક્ટિવ કેસની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા વધુ રહી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં સક્રિય કેસનો આંકડો 1,37,448 હતો જેની સામે 1.40 લાખ લોકો સાજા થઇ ગયા હતા. જે રિકવરી રેટ 49.2 હોવાનું દર્શાવે છે. મહારાષ્ટ્રમાં આજે નવા વિક્રમી 3607 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 97,648 પર પહોંચી ગયો છે, જ્યારે વધુ 152નાં મોત થતાં મરણાંક 3590 થયો છે. તેમાંથી મુંબઇમાં આજે નવા 1540 કેસ નોંધાવાની સાથે જ 97નાં મોત થયા છે. જ્યારે દિલ્હીમાં વિક્રમી 1877 કેસ નોંધાવાની સાથે કુલ કેસ 34,000 પાર પહોંચ્યા છેઅને મરણાંક 1,085 થયો છે.