કોરોના વાયરસના સંક્રમણ વિશે આઇઆઇટીએ સંશોધનમાં ખુલાસો કર્યો છે કે, ગંદા પાણીમાં પણ કોરોના વાયરસ હોઇ શકે છે. ગટરના કે નાળાના ગંદા પાણીમાં કોરોના વાયરસની શક્યતા ખાસ કરીને સફાઇકર્મીઓ માટે વધુ ખતરારૂપ સાબિત થઇ શકે છે. ગંદા પાણીમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતા ગંદા પાણીની સફાઇ કરતી વખતે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.
ગાંધીનગર આઇઆઇટીના શોધકર્તાએ સીવેજ એટલે કે ગટરના પાણીમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી કરી છે. આઇઆઇટીના સંશોધકે ગટરનું થોડું પાણી પ્રોસેસ કર્યાં વિના જ જમા કર્યું અને તેમાં વાયરસની હાજરી મુદ્દે ચકાસણી કરી.
આ મુ્દે અભ્યાસ કરતા સંશોધક કર્તાએ જણાવ્યું કે, દેશના હોટસ્પોટ, કન્ટેમેન્ટઝોનમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનને લઇને પણ એ જાણી શકાય છે કે, સંક્રમણ ફેલાવવાનું કારણ ગટરનું ગંદુ પાણી તો નથી ને.
આ પહેલા અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડથી પણ ગંદા પાણીથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની માહિતી આવી હતી. ગત એપ્રિલમાં ગાંધીનગર આઇઆઇટીમાં પણ આવું રિસર્ચ થયું અને વૈશ્વિક શોધના પ્રકરણ ઉમેરાયું. સીવેજના ગંદા પાણીથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ છે કે નહીં તે મુદ્દે થયેલા સંશોધનથી સાબિત થયું છે કે ગંદા પાણીમાં કોરોના વાયરસની ઉપસ્થિતિ હોય છે અને તેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે. આ અભ્યાસમાં અન્ય શોધ સંસ્થા અને યુનિવર્સિટી પણ જોડાઇ હતી.
મળતી માહિતી મુજબ આઇઆઇટી ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું કે, ગટરનું ગંદુ પાણી વાયરસની ઓળખનો મુખ્ય સ્ત્રોત હોય છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિને કોરોનાના લક્ષણ ઘણી વખત નથી દેખાતા પરંતુ તે વ્યક્તિના મળ મૂત્રમાં તેના વાયરસ જોવા મળે છે. જે ગંદા ગટરના પાણીમાં મળે છે. આ રીતે પણ ગંદા પાણીમાં કોરોના વાયરસ હોવાની શક્યતા વધુ પ્રબળ થાય છે.