1 જૂનથી લાગુ કરવામાં આવેલા અનલોક-1 બાદ દેશમાં કોરોના(Corona)ની સ્થિતિ વધુ કથળી હોવાના અહેવાલો ચારેબાજુથી આવી રહ્યા છે. હવે રોજ 10,000થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને કુલ કેસોની સંખ્યા જલદી જ 3 લાખના આંકડાને પાર કરી જશે. આ એવો સમય છે જ્યારે સરકારને અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે. લોકોને વધુ લોકડાઉન રાખી શકાય નહી અને તેથી અનલોક-1 લાગુ કરીને હવે અર્થતંત્રને રિકવર કરવાના પ્રયાસો શરૂ થયા છે. લગભગ લગભગ ભારતનો 70 ટકા વસતી ધરાવતો વિસ્તાર હાલ લોકડાઉન(Lock Down)થી બહાર છે. જ્યાં સૌથી ખરાબ સ્થિતિ છે એવા મુંબઇમાં પણ ઘણું ખરૂં હવે ખુલી ગયું છે. આ દરમિયાન ચારેબાજુથી એક એવા સમાચારો આવી રહ્યા છે જે ડરાવી રહ્યા છે.
કોરોનાના કેસોમાં થયેલો ધરખમ વધારો અને બીજી તરફ અર્થતંત્રની ચિંતા ક્યાંક ભારતને મોટું નુકસાન ન કરાવી જાય તેનો ડર સરકારને પણ હશે. કોરોનાના કેસો વધતાં હોય પરંતુ એમાં પણ ક્યાંક સરકારે ઓછી ટેસ્ટિંગ(Testing) કરાવી હોય તેવા અહેવાલો મળતા રહે છે. દેશભરમાંથી કોરોનાને લઇને બેદરકારીઓ સામે આવી રહી છે. સૌથી નજીકનો કિસ્સો મહારાષ્ટ્ર(Maharashtra)નો છે જ્યાં એક મહિલાની લાશ 8 દિવસ સુધી હોસ્પિટલ(Hospital)ના જ બાથરૂમમાં પડી રહી પરંતુ તંત્રને કાનોકામ ખબર નથી પડી. છેવટે પોલીસમાં મામલો ગયો અને પોલીસે લાશ શોધી કાઢી. આવા કિસ્સાઓ સાંભળીને આપણી આરોગ્ય સેવાઓ ક્યા સ્તર પર પહોંચી છે અથવા એને એડવાન્સ કરવાના પ્રયત્નોની પોલ ખુલી રહી છે. કેટકેટલાય દાવો કરવામાં આવ્યા હોય પરંતુ સત્ય એક જ છે હજી આપણે આરોગ્યના નામે ઝીરો છીએ. સ્પિટલોનું નિર્માણ હોય કે સારાં ડોક્ટરની વાત હોય.. આપણે નિષ્ફળ ગયા છે અને આ કોઇ એક સરકારની વાત પણ નથી.
સરકારો(Government)એ જે કર્યું તેના વખાણ પણ થવા જોઇએ પણ નિષ્ફળતા આમાં વધારે છે અને તેથી આ સારા કામો પણ ઢંકાઇ જાય છે. કોરોનાના કેસો વધવાનું કારણ અનલોક-1(Unlock-1) ભલે હોય પરંતુ પ્રજા પણ આપણી ડાહી નથી એવું સ્પષ્ટપણે કહી શકાય. નિયમો તોડવું તેને આપણે આપણો હક સમજતાં હોય એવું લાગે છે. બહાર નીકળનારી ભીડ બે પ્રકારની છે. એક એ છે જે કામથી નીકળે છે અને બીજા એ લોકો છે જેમને કોઇ કામ નથી એટલે બહાર નીકળતા હોય છે. કામ પર જનારા અને દેશના અર્થતંત્રને ઊંચકવા માટે પ્રયત્નો કરનારા લોકો ખરેખર કોરોનાથી ડરે જ છે પરંતુ ઘરની તેમજ દેશની જવાબદારી પણ આ લોકો પર છે અને તેથી તેમનું નીકળવું જરૂરી છે. પોલીસ હવે વધુ સખત રીતે કામ નથી કરી રહી એનો પણ પ્રભાવ છે કે લોકો વધુમાં વધુ બહાર નીકળી રહ્યા છે.
અનલોક હોય તો ય વગર કામે ઘરની બહાર નીકળવા રોકી શકાય તેમ નથી. કારણ કે આ એક મોટી સંખ્યા છે. પણ સરકારે ખરેખર આ બાબતે વિચાર કરવો રહ્યો કે આ રીતે કીડી મકોડાની જેમ લોકો બહાર નીકળતા હોય તો આ એક સ્ફોટક વસ્તુ છે. ટુંકા ગાળામાં દેશને આના પરિણામો જોવા મળશે. જાણકારો કહે છે કે જુલાઇના અંતમાં અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં સ્થિતિ વધુ વિકટ બનશે એટલે કે આ સમય આપણાં ત્યાં કેસોના ટોચ પર હશે. એ સમયે રોજના કદાચ 1 લાખ કેસો નહીં ઉમેરાય તો નવાઇ નથી. દેશમાં કોરોના પર વિજય મેળવવાં માટે હવે ચેઇન તોડવાની જે વાત થતી હતી તે હવે સરકારે બાજુ પર મુકી દીધી છે. રાહ જોવાય છે તો કોરોના માટેની વેક્સીનની જેની હાલના દિવસોમાં કોઇ આશા દેખાતી નથી. દવા મળે ત્યાં સુધી હવે આપણે રાહ જ જોવાની છે તો વધારે ખુવારી થાય તેનો પણ સ્વીકાર કરવો જ પડશે.