અમદાવાદ, વડોદરા બાદ સુરત પોલીસ ખાતામાં કોરોના વ્યાપી રહ્યો છે, સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી આર. આર સરવૈયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તપાસ કરનાર એસીપી આરોપીના સંપર્કમાં આવ્યા હોવાથી સંક્રમિત થયા છે. ACP સાથે કામગીરી કરી રહેલા અન્ય પોલીસ કર્મીઓને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
સુરતમાં કોરોના કહેર યથાવત રહેતા દર્દીઓની સંખ્યામાં વધારાની સાથે મૃત્યુઆંક પણ રોજ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના 97વ્યક્તિઓના ભરખી ગયો છે, જ્યારે રોજ ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજે 408 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 212- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 8- વેન્ટિલેટર, 34- બાઈપેપ અને 170 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.
ગુજરાતના આ ચાર જિલ્લા શહેરોમાં કુલ પોઝીટીવ સંખ્યા 20 હજારને પાર થયો છે. અમદાવાદમાં કોરોના મહામારીથી મોતની સંખ્યા પણ 1139 થઈ છે. સુરતમાં આંક 100 નજીક પહોંચી ગયો છે. વડોદરામાં 43 લોકોના મોત થયા છે તો ગાંધીનગરમાં પણ કોરોનાથી 21 લોકોના મોત થયા છે. છેલ્લા 12 દિવસમાં રાજ્યમાં 5768 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. તો 378 લોકોના મોત થયા છે.