કોરોના ની સ્થિત માં ભારત માં લોકો ની હાલત અત્યન્ત દયનીય બની ગઈ છે અને જનતા ના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, નોકરીઓ છૂટી ગઈ છે યુવાનો બેકાર થઈ ગયા છે , ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે ત્યારે બીજી તરફ સરકાર તરફ થી જનતા ને તાત્કાલિક લાભ થાય તેવું કઈ કરવામાં આવ્યું નથી ઉલ્ટા નું પેટ્રોલ , ડીઝલ ઉપર ભાવ વધારો ઝીંક્યો છે અને નજીક ના ભવિષ્યમાં પણ મિલકત વેરા માં વધારો થવા જઈ રહ્યો છે.
એટલું જ નહીં ગુજરાત સરકાર હવે સરકારી જમીન પણ ઓછા ભાવે ઉદ્યોગપતિઓ ને વેચવાની તૈયારીઓ શરૂ કરી છે,સરકાર પોતાની પાસે રહેલી પડતર જમીનોનું વેચાણ કરીને આર્થિક ભંડોળ ઉભું કરશે. હાલ માં ગુજરાત સરકાર પાસે દસ લાખ હેક્ટર જેટલી જમીન છે જે વેચીને આવનારા પૈસા સરકાર પોતાના ખર્ચ માટે ઉપયોગ કરશે.
હાલ ગુજરાત સરકાર પાસે લગભગ સાડા સાત લાખ હેક્ટર જેટલી જમીનો સરકારી પડતર છે તે ઉદ્યોગો અને રહેણાંકની સ્કીમો બનાવવા માટે ખુલ્લી કરવામાં આવશે. આ જમીનોના ભાવ પણ પ્રમાણમાં ઓછાં રહેશે.
આ ઉપરાંત હવે ગુજરાત સરકાર ઝડપથી જંત્રીના દરોમાં સુધારો કરવા જઇ રહી છે. આ માટે સરકારે પૂર્ણ કરી લીધેલો સર્વે હવે નિયમોનું રૂપ પામશે અને સમગ્ર રાજ્યમાં જંત્રીના દરોનું પુનઃ મૂલ્યાંકન કરાશે. આ માટે એકાદ માસનો સમય લાગશે પરંતુ જુલાઇ માસમાં નવા દરો નક્કી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. એક તરફ સરકાર જ્યાં લોકોને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવાનું વિચારી રહી છે, ત્યાં સરકારી આવકોમાં ઘટાડો ન થાય તે માટે જંત્રી દરોમાં સુધારો થશે. આ સુધારાને કારણે બાંધકામ ક્ષેત્રમાં તેજી આવશે, તેવું સરકારી સૂત્રો જણાવે છે. સૂત્રોએ જણાવ્યું કે કૃષિક્ષેત્રે ખાનગી ક્ષેત્રને આકર્ષવા ગુજરાતમાં નિયમો હળવા કરાશે. આર્થિક સુધારા માટે રચાયેલી છ સભ્યની અને પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને બનેલી કમીટિએ સરકારને અહેવાલ આપી દીધો છે.
ગુજરાત સરકાર જંત્રીના દરો વધારવાની વિચારણા કરી રહી હોવાથી મિલકત વેરામાં વધારો થશે. વિવિધ સ્થાનિક તંત્રો કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરો વસૂલે છે તેમાં જંત્રી દરોના સંદર્ભને ધ્યાને રખાય છે. જો સરકાર જંત્રીના દર વધારશે તો તેની સાથે મિલકત વેરો પણ વધશે. આ ઉપરાંત આમાં ઉપયોગમાં લેવાતી ભારાંક પદ્ધતિમાં પણ સુધારો આવી શકે છે. મિલકત વેરા માટે સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડિક્લેરેશન પદ્ધતિ લાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. આમ કોરોના કાળ માં સરકાર પોતાના ખર્ચા કાઢવા આવા નિર્ણયો લેશે પણ સામાન્ય નાગરિક ને પડી રહેલી મુશ્કેલીઓ માટે માત્ર જાહેરાતો સિવાય કોઈ અમલવારી નહિ થતી હોવાની બૂમ ઉઠવા પામી છે.
