અમદાવાદ અને વડોદરા શહેર માં પવન સાથે વહેલી સવારે અનરાધાર વરસાદ પડયો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં માં પાણી ભરાયા હતા. અમદાવાદમાં વહેલી સવારે 4 વાગ્યે સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. સૌથી વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા હતા.
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરમાં ઝાડ, હોડીગ્સ તૂટી પડ્યા હતા. ભારે પવન અને વરસાદના કારણે નારણપુરા, વસ્ત્રાલ સહિતની 10 જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. ગોતાના વંદેમાતરમ સર્કલ પાસે ભુવો પડતા એક ટ્રક ફસાઈ હતી. જ્યારે હેલ્મેટ સર્કલ પાસે એક ક્રેન પસાર થતી હતી ત્યારે રોડ બેસી જતા ક્રેનનું ટાયર પણ ફસાઈ ગયું હતું. ભારે પવનના કારણે અનેક જગ્યાએ હોડીગ્સ પણ ધરાશાયી થયા હતા. અખબારનગર ક્રિષ્ના હોસ્પિટલ પાસે મસમોટું હોડીગ એક તરફ ઝૂકી ગયું હતું.આ સિવાય નહેરુનગર અને વસ્ત્રાલ પાસે પણ હોડીગ ઉડીને તૂટી પડ્યા હોવાની ઘટનાઓ બની હતી અને શહેર ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વડોદરા શહેર માં પણ સવારે છ વાગ્યા ના અરસા માં ઠેરઠેર ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યા એ પાણી ભરવા ની છૂટીછવાઈ ઘટનાઓ બની હતી.વડોદરા માં છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ એકંદરે વાદળો થી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.
