અમદાવાદના ઘાટલોડિયામાં એક મહિલાએ સૌંદર્ય ટાવરના ટેરેસ પરથી પહેલાં છ વર્ષની પુત્રીને ફેંકી પોતે પણ છલાંગ લગાવતા બંનેના દર્દનાક મોત નિપજ્યા હતા. પોલીસે મૃત મહિલા વિરુદ્ધ પુત્રીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ ક્યા કારણસર આ પગલું ભર્યું તેની તપાસ ચાલી રહી છે. ઘટના ગત બુધવારની છે.
પોલીસ તપાસમાં જણાયું છે કે ઘાટલોડિયાની કર્મચારી સ્કૂલ પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતાં સોનલબહેન દેસાઈએ 10 મેના રોજ સવારે સૌંદર્ય ટાવરના એચ બ્લોકના ધાબા પરથી છ વર્ષની પુત્રી સાન્વીને નીચે ફેંકી દીધા બાદ પોતે પણ છલાંગ લગાવી હતી. છ વર્ષની બાળકીનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે સોનલબહેનને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને પણ મોત જાહેર કર્યા હતા.
જોકે તેઓ ભાનમાં ન આવી શક્યા હોવાથી, ક્યા કારણસર સોનલબહેનએ આ પગલું ભર્યું તેની માહિતી મળી શકી નહતી. પોલીસે આ અંગે વિરમભાઈ દેસાઈની ફરિયાદને પગલે મૃત સોનલબહેન વિરુદ્ધ પુત્રીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.