ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે એ.આઇ. અને પત્રકારત્વ પર વિચારમંથન
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ ડો. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રભાવ અને ઉપયોગિતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ જણાવ્યું હતું કે, ભલે મશીન ડેટા આપે, પરંતુ સંવેદના જ એવી બાબત છે જે માનવી અને મશીનને અલગ પાડે છે.
એ.આઇ. પત્રકારત્વ માટે જોખમ નહીં પણ એક શક્તિશાળી સાધન છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં AI પત્રકારત્વ માટે અનિવાર્ય બની ગયું છે. તે માહિતીને ઝડપથી વિશ્લેષિત કરવામાં મદદ કરે છે, પરંતુ તે ક્યારેય માનવીય વિવેકબુદ્ધિ અને નૈતિકતાનું સ્થાન લઈ શકે નહીં. ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાએ પણ આ સુર પુરાવતા કહ્યું કે, AI માત્ર એક ‘હેલ્પિંગ ટૂલ’ છે. તે પત્રકાર માટે ‘માઈલસ્ટોન’ સમાન છે, રસ્તો નથી. પત્રકારે ક્ષેત્ર પર જઈને કરેલું પ્રત્યક્ષ રિપોર્ટિંગ અને તેની અનુભૂતિ મશીન ક્યારેય કરી શકતું નથી.
સાહિત્ય સર્જનમાં માનવીય સંવેદના અને મૌલિકતાનું મહત્વ
પ્રસિદ્ધ લેખક ધૈવત ત્રિવેદીએ સાહિત્યમાં AI ની મર્યાદાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ગમે તેટલી આગળ વધે પણ તે સાહિત્યને ખતમ કરી શકશે નહીં. AI ચોક્કસ લેખકોની શૈલીની નકલ કરી શકે છે, પરંતુ કઈ કથામાં ક્યાં અટકવું અને કયા વિષયમાં કયો ભાવ ઉમેરવો તે માત્ર એક સર્જક જ નક્કી કરી શકે છે. લેખનમાં સતત નવીનતા અને મૌલિકતા જાળવી રાખવી એ જ આજના ટેક્નોલોજિકલ પડકાર સામે ટકી રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
નાટિકા અને સંવાદ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિનો પ્રયાસ
કાર્યક્રમ દરમિયાન માહિતી વિભાગના કર્મચારીઓએ ‘ગૂગલ દાદા’ અને ‘ચેટ જીપીટી’ જેવા પાત્રો ભજવીને એક હળવી નાટિકા રજૂ કરી હતી. આ નાટિકા દ્વારા એ.આઇ. ના ફાયદા અને મર્યાદાઓ વિશે વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે જોડણી સુધારણા અને કહેવતો જેવી પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી હતી. અંતે, વક્તાઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો આપીને ટેક્નોલોજીના યુગમાં માનવીય કૌશલ્યો કેવી રીતે વિકસાવવા તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

