સુરત રત્નકલાકાર તરીકે કામ કરતા નવસારી જિલ્લાના બીલીમોરાના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને નવસારી(Navsari)ની સિવિલ(Civil)માં સારવાર અપાઇ રહી છે. બીલીમોરામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ડર ફેલાયો છે.લોકડાઉન-5ને અનલોક-1 ગણાવી વધુ છુટછાટો આપતા જિલ્લામાં કોરોના(Corona)ના દર્દીઓમાં વધારો થઇ રહ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓમાં સુરત(Surat) અને મુંબઇ(Mumbai)થી આવતા લોકો વધુ હતા. બુધવારે નવસારી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવનો કેસ નોધાયો છે.
બીલીમોરા ઓમકારેશ્વર સોસાયટીમાં રહેતા અને સુરત કતારગામ જેબી બ્રધર્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા યુવાનને ગત 15મીએ ઠંડી લાગતા નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જ્યાં તેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ તેની સારવાર ચાલી રહી છે. જ્યારે દર્દીના પરિવારના સેમ્પલો આરોગ્ય વિભાગે લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેના સંપર્કમાં કોણ-કોણ આવ્યા હતા, તેની માહિતી પણ એકત્રિત કરાઈ રહી છે. જ્યારે તંત્ર દ્વારા વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
બીજી તરફ ગાંજો વેચનાર આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે બુધવારે તે આરોપીનો રીપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા અપાતા એસ.ઓ.જી. પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 40 કેસો નોધાયા હતા. જે પૈકી 30 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાને પગલે મોત નીપજ્યુ હતુ.
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ખાતે કોવિડ.19નો પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાલદા ગામના બાવરી ફળિયાની 60 વર્ષીય મહિલાનો કોવિડ.19 રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડાઇ છે. મહિલા ઘરકામ કરે છે,અને તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જિલ્લામાં અત્યાર સુધી કુલ 58 કેસ નોંધાઇ ચુક્યા છે.જ્યારે અત્યાર સુધી 42 લોકો સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.અત્યાર સુધી આરોગ્ય વિભાગે 4586 સેમ્પલ લીધા છે,જે પેકી 4527 નેગેટિવ અને જિલ્લાના 58 પોઝિટિવ નોંધાયા છે.
દમણ: સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં વધી રહેલા કોરોના કેસને લઈ પ્રશાસન સતર્ક થયું છે. આ વિસ્તારમાંથી કોરોના સંક્રમણ દમણનાં અન્ય વિસ્તારોમાં ન ફેલાય એ માટે ડાભેલ વિસ્તારની દુકાનોને બંધ કરવાની સાથે દમણના શહેરી વિસ્તાર તરફ જતાં રસ્તાઓ પર બેરીકેટ્સ લગાવી જરૂરી તપાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે .
દમણનાં ડાભેલ વિસ્તારમાં કોરોના સંક્રમણનાં કેસમાં વધારો થવા પામ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધુ ઉદ્યોગો પણ આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં કામદાર વર્ગ કામ કરતો હોય છે. ત્યારે મંગળવારનાં રોજ આ વિસ્તારમાં ત્રણ જેટલા કામદારોનો રીપોર્ટ પોઝેટીવ આવતા પ્રશાસને સર્તકતાના ભાગ રૂપે ડાભેલના મુખ્ય વિસ્તારની દુકાનોને આગામી 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ બે દિવસની અંદર સ્વાસ્થ્ય વિભાગ આ વિસ્તારના લોકોના જરૂરી ટેસ્ટ કરવાની કાર્યવાહી કરશે.