સુરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે હીરાના કારખાનાઓ પણ ચાલુ થઇ જતા રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકોમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દરમિયાન શહેરમાં બુધવારે વધુ 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા છે. જે પૈકી 14 કેસ ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. બુધવારે શહેરમાં 62 પોઝિટિવ કેસની સાથે કુલ આંક 2822 પર એટલે કે 3000ની લગોલગ પહોંચ્યો છે. અને પોઝિટિવિટી રેટ 10.5 ટકા થયો છે. શહેરમાં આજે 2 મોત સાથે મોતનો કુલ આંક 114 પર પહોંચ્યો છે. અને ડેથ રેટ 4 ટકા થયો છે.
શહેરમાં બુધવારે કતારગામ ઝોનમાં 19, લિંબાયતમાં 12, વરાછા-એ ઝોનમાં 10, વરાછા-બી ઝોનમાં 5, રાંદેરમાં 5, ઉધનામાં 3, અઠવામાં 4 અને સેન્ટ્રલ ઝોનમાં 4 કેસ નોંધાયા હતા. હાલમાં સક્રીય કેસ 866 જ છે તેમજ વેન્ટિલેટર પર 14, બાયપેપ પર 41 અને ઓકિસજન પર કુલ 143 લોકો છે. બુધવારે વધુ 43 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. કુલ અત્યાર સુધી 1934 લોકો સાજા થયા છે અને રિકવરી રેટ 68.5 ટકા થયો છે.
બુધવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં 12 રત્નકલાકારો, 1 હીરા દલાલ, 1 ડાયમંડ ઈન્ડસ્ટ્રીના મેનેજરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે ઉપરાંત બેંકના ચોકીદાર, પૂજારી, ભરૂચના આમોદના ડેપ્યુટી કલેકટર, ઈલેક્ટ્રીક દુકાનના માલિક, પ્રાઈવેટ કંપનીના મેનેજર, સુમન શાળાના શિક્ષક, યુનિક હોસ્પિ.ના નર્સ પણ સપડાયા છે. હીરા ઉદ્યોગમાં વધી રહેલા સંક્રમણને કારણે હવે હીરા સાથે સંકળાયેલા લોકો પણ કોરોનાના સંક્રમણમાં સુપર સ્પ્રેડરની ભૂમિકામાં આવી ગયા છે.