“સંજુમાં વિવ રિચર્ડ્સની ઝલક દેખાય છે”: સેમસનના ‘ત્રણ મોતી’ સમાન ઈનિંગ્સ જોઈને સુનીલ ગાવસ્કર ગદગદિત
T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીતના અસલી હીરો તરીકે ઉભરી આવેલા સંજુ સેમસનના અત્યારે ચોમેર વખાણ થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કર પણ સેમસનના ફોર્મથી અત્યંત પ્રભાવિત થયા છે. ગાવસ્કરના મતે, સંજુની બેટિંગમાં મહાન વિવ રિચર્ડ્સ અને શ્રીલંકન સ્ટાઈલિશ બેટ્સમેન મહેલા જયવર્ધનેનું અનોખું મિશ્રણ જોવા મળે છે.
દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ જગાવ્યો આશાનો દીવો
વર્લ્ડ કપમાં જ્યારે ભારત દક્ષિણ આફ્રિકા સામે હાર્યું ત્યારે ટીમ પર દબાણ હતું, પરંતુ ત્યાંથી સંજુ સેમસને જે રીતે મોરચો સંભાળ્યો તે કાબિલેદાદ છે. દરેક મેચ જ્યારે નોકઆઉટ સમાન હતી, ત્યારે સેમસને સતત ત્રણ અડધી સદી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 89, ઇંગ્લેન્ડ સામે 97 અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 89 રનની ઈનિંગ્સ રમીને તે ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યો હતો.
જોફ્રા આર્ચર સામેનો ડર અને વિવ રિચર્ડ્સ સ્ટાઈલ
સંજુ સેમસન માટે સૌથી મોટો પડકાર ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર હતો. ભૂતકાળમાં આર્ચરના શોર્ટ બોલ પર સંજુ ત્રણ વાર આઉટ થયો હતો, પરંતુ આ વખતે તેણે આ ડરને સ્ટાઈલ સાથે દૂર કર્યો. સેમસને આર્ચરના માત્ર 14 બોલમાં 38 રન ફટકારી દીધા.
ગાવસ્કરે ‘સ્પોર્ટસ્ટાર’ માટેના તેમના કોલમમાં લખ્યું છે કે,
“શુદ્ધ ટેકનિક સાથેની બેટિંગ સામાન્ય રીતે ટેસ્ટમાં જોવા મળે છે, પરંતુ સંજુએ શોર્ટ ફોર્મેટમાં પણ ક્લાસિકલ શોર્ટ્સ રમ્યા. જોફ્રા આર્ચરની તેજ ગતિ પર તેના પુલ શોર્ટ્સ વિવ રિચર્ડ્સની યાદ અપાવતા હતા, જ્યારે તેની બાકીની બેટિંગ શૈલી મહેલા જયવર્ધને જેવી સ્ટાઈલિશ છે.”
બેન્ચ પર બેસવાથી લઈને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ સુધીની સફર
સંજુ સેમસન માટે આ સફર બિલકુલ સરળ નહોતી. ટુર્નામેન્ટની શરૂઆતમાં ભારત ઇશાન કિશન અને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવાનું નક્કી કરી ચૂક્યું હતું. સેમસન કદાચ રમે તો પણ મિડલ ઓર્ડરમાં સ્થાન મળે તેમ હતું. પરંતુ અભિષેક શર્માના ખરાબ ફોર્મને કારણે સેમસનને ટોપ ઓર્ડરમાં સ્થાન મળ્યું.
ગંભીરના માર્ગદર્શન હેઠળ જ્યારે સેમસને ઝિમ્બાબ્વે સામે રન બનાવ્યા, ત્યારે ગંભીરે તેને મુઠ્ઠી વાળીને સલામ કરી હતી – જે સેમસન માટે વિશ્વાસ વધારનારી ક્ષણ હતી. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં નિષ્ફળ ગયા બાદ તે ટીમની બહાર હતો, પરંતુ ભાગ્ય અને સંજોગોએ તેને ફરી તક આપી. રિન્કુ સિંહના પિતાની તબિયત બગડતા તે ટીમ છોડીને ગયા અને મેનેજમેન્ટે સેમસનને ઓપનિંગમાં લાવવાનો નિર્ણય કર્યો.

