ગાંધીનગર— કોરોના મહામારીનો ઇલાજ એલોપથીમાં અત્યારે નથી પરંતુ આયુર્વેદમાં છે તેવું ભારતનું એક રાજ્ય માને છે. આ રાજ્ય ભાજપ શાસિત છે. તેણે તેના રાજ્યમાં કોરોના દર્દીઓની સારવાર આયુર્વેદિક દવાઓથી શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે.
દેશમાં કેરાલા એવું રાજ્ય છે કે જે તેના દર્દીઓની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરે છે પરંતુ હવે તેની સાથે દેશનું અન્ય એક રાજ્ય પણ જોડાયું છે. આ રાજ્ય કર્ણાટક છે. ભાજપના યેદિયુરપ્પાએ ગુજરાતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એવી સામે આવી છે કે જૂનાગઢના આયુર્વેદિક ડોક્ટરે બનાવેલી આયુર્વેદિક દવાનું પરીક્ષણ કરવા કર્ણાટક સરકારે મંજૂરી આપી છે. ગુજરાતની દવાઓની પરીક્ષણ આ રાજ્ય તેના રાજ્યના કોરોના દર્દીઓ પર કરશે. હાલ 10 દર્દીઓ પર આયુર્વેદિક દવાનો પ્રયોગ કરવા યેદિયુરપ્પા તૈયાર થયાં છે.મહામારીથી લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જૂનાગઢના આયુર્વેદના ડોક્ટર દ્વારા કોરોના માટે દવાની શોધ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે 10 દર્દીઓ પર તે અંગેનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.
હાલ વિશ્વભરના ડોક્ટરો કોરોનાની વેક્સિન શોધવામાં લાગ્યા છે. ત્યારે જૂનાગઢના આયુર્વેદિક ડોક્ટર ધવલ સંઘવી દ્વારા કોરોના માટેની આયુર્વેદિક દવા શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે ડો ધવલ સંઘવીને કોરોનાના દર્દીઓ ઉપર આ દવાનો પ્રયોગ કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પણ તેમની દવાઓનો ડોઝ મંગાવ્યો છે.
ધવલ સંઘવી દ્વારા બનાવવામાં આવેલી ડેન્ગ્યૂ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગની દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે ત્યારે કોરોનામાં પણ આ દવા ખૂબ જ અસરકારક હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કર્ણાટક સરકારે જૂનાગઢના ડોક્ટરની દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી છે અને હવે મહારાષ્ટ્ર સરકાર પણ મંજૂરી આપવા જઇ રહી છે ત્યારે ગુજરાતમાં પણ તેનો પ્રયોગ કોરોના દર્દીઓની સારવારમાં કરવામાં આવે તેવી સંભાવના છે.