ગાંધીનગર – ગુજરાત સરકારે પશુઓ માટે પણ હેલ્પલાઇન 1962 શરૂ કરી છે. 365 દિવસ 24 કલાક સુધી ખુલ્લી રહેતી આ હેલ્પલાઇનની મદદથી પશુપાલકો તેમના પશુઓને વિનામૂલ્યે સારવાર અપાવી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનું શરૂ કરાવ્યું છે. પશુઓની સારવાર માટે પીપીપી મોડલથી મોબાઇલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં 3.50 કરોડ જેટલા પશુઓ છે, તેમના આરોગ્યની સંભાળ માટે પશુપાલકોને વિનામૂલ્યે આ લાભ આપવામાં આવ્યો છે. તેમણે રાજ્યભરામાં પ્રારંભિક તબક્કે 108 મોબાઇલ પશુ દવાખાના શરૂ કરાવ્યા છે. બીજા તબક્કા પછી રાજ્યભરમાં 460 જેટલા મોબાઇલ પશુ દવાખાના શરૂ થશે અને 4600 જેટલા ગામોના પશુપાલકોને ઘેર બેઠાં પશુઓની સારવાર કરાવવાનો મોકો મળશે.
પશુપાલકો માટે 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુસારવાર પશુપાલકોને મળી રહે તે માટે હાલ 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે સાત થી રાત્રે સાત દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે.
આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે અને સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. ગુજરાત દેશભરમાં એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પશુઓ માટે ઓન કોલ સેવા 1962 નંબર પર ફોન કરવાથી તત્કાલ મળી રહે છે.