IPL 2026: રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં જાડેજા અને વૈભવ સૂર્યવંશીની મુલાકાત, ‘જડ્ડુ’એ મળતા જ પૂછ્યો આ સવાલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન શરૂ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને યુવા બેટર વૈભવ સૂર્યવંશી એકબીજા સાથે ખાસ વાતચીત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં જાડેજાએ વૈભવના તાજેતરના પ્રદર્શન વિશે રસપ્રદ સવાલો પૂછ્યા હતા.
17 વર્ષ પછી જાડેજાની ‘ઘરવાપસી’
IPL 2026 માં ચાહકોને એક મોટો ફેરફાર જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ ખેલાડી રવીન્દ્ર જાડેજા આ વખતે રાજસ્થાન રોયલ્સની જર્સીમાં મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે, જાડેજાએ 2008માં પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત રાજસ્થાન રોયલ્સથી જ કરી હતી અને શેન વોર્નની કેપ્ટનશીપમાં ખિતાબ જીત્યો હતો. હવે 17 વર્ષ બાદ ટ્રેડ ડીલ દ્વારા તે ફરી પોતાની જૂની ફ્રેન્ચાઇઝીમાં પરત ફર્યો છે. રાજસ્થાનના પ્રી-સીઝન કેમ્પમાં જાડેજાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
“હજી તો તું ડીવાય પાટિલમાં રમતો હતો ને?”
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વૈભવ સૂર્યવંશી જાડેજા પાસે જાય છે અને કહે છે, “તમે ખૂબ સારું રમ્યા.” જેના જવાબમાં જાડેજા તેનો આભાર માને છે અને તરત જ પૂછે છે, “હજી તો તું ડીવાય પાટિલ (DY Patil T20) માં રમી રહ્યો હતો ને?” 14 વર્ષીય વૈભવ જવાબ આપે છે કે, “હા, હું ગઈકાલે જ આવ્યો છું.” વૈભવે વધુમાં જણાવ્યું કે તે ટૂર્નામેન્ટમાં ‘ડીવાય પાટિલ બ્લૂ’ ટીમ તરફથી રમી રહ્યો હતો અને તેમની ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. આ વાતચીત દર્શાવે છે કે અનુભવી ખેલાડીઓ પણ યુવા પ્રતિભાઓના પ્રદર્શન પર કેટલી બારીકાઈથી નજર રાખતા હોય છે.
અનુભવ અને યુવાનીનો સંગમ
વૈભવ સૂર્યવંશીએ ગત સીઝનમાં ડેબ્યૂ કરીને આખા ક્રિકેટ જગતને પોતાની બેટિંગથી ચોંકાવી દીધું હતું. હવે તેને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડી સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો મોકો મળશે.
Jab Vaibhav Sooryavanshi met Banna 💗👌 pic.twitter.com/qBEY46mnIS
— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2026
રવીન્દ્ર જાડેજાના આઈપીએલ કરિયરની વાત કરીએ તો:
- કુલ મેચ: 254
- રન: 3260
- વિકેટ: 170
