દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન હુમલો: એક ભારતીય સહિત 4 લોકો ઘાયલ, UAE એ સૌથી મોટી ઓઈલ રિફાઈનરી બંધ કરી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ એક ભારતીય નાગરિક સહિત ચાર લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. દુબઈ મીડિયા ઓફિસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, વહીવટીતંત્રે એમ પણ જણાવ્યું છે કે એર ટ્રાફિક હાલમાં સામાન્ય રીતે કાર્યરત છે.
ઈરાનનો મિસાઈલ અને ડ્રોન વડે વળતો પ્રહાર
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન અને કતાર સહિતના અખાતી દેશો પર મિસાઈલ અને ડ્રોનનો મારો ચલાવ્યો છે. આ હુમલાઓને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે અને તેલના ઉત્પાદનમાં ભારે વિક્ષેપ પડ્યો છે.
વિશ્વની ચોથી સૌથી મોટી રિફાઈનરી બંધ
દુબઈમાં થયેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર અબુ ધાબીની ‘રુવાઈસ ઈન્ડસ્ટ્રિયલ સિટી’ માં આવેલી વિશાળ રિફાઈનરીમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. અબુ ધાબી મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાને કારણે અહીં આગ લાગી હતી. સરકારી તેલ કંપની ‘એડનોક’ (Adnoc) ની આ સુવિધા વિશ્વની ચોથી સૌથી મોટી સિંગલ-સાઈટ રિફાઈનરી છે.
બીજી તરફ, સાઉદી અરેબિયાની તેલ કંપની ‘અરામકો’ એ પણ ચેતવણી આપી છે કે આ યુદ્ધને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
જીવનજરૂરી ચીજવસ્તુઓનો 6 મહિનાનો સ્ટોક
યુદ્ધની આ પરિસ્થિતિને જોતા UAE સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. યુએઈના અર્થતંત્ર અને પ્રવાસન મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો 6 મહિનાનો વ્યૂહાત્મક અનામત (Strategic Reserve) જથ્થો ઉપલબ્ધ છે.
બજારમાં ચીજવસ્તુઓની અછત ન સર્જાય અને ભાવો સ્થિર રહે તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જે વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, તેનો વધારાનો પુરવઠો બજારમાં મોકલી દેવામાં આવ્યો છે જેથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે.

