ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ખેલાડીઓ માટે BCCIનો માસ્ટર પ્લાન: દિલ્હીમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રભુત્વ જમાવ્યું છે, તેની ઉજવણી કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સજ્જ થયું છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ, હવે બોર્ડે તમામ વિજેતા ટીમો માટે એક ભવ્ય સન્માન સમારોહ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
15 માર્ચે દિલ્હીમાં જામશે દિગ્ગજોનો મેળાવડો
BCCIના પ્લાન મુજબ, માત્ર ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમ જ નહીં, પરંતુ છેલ્લા બે વર્ષમાં જે ટીમોએ ભારતનું નામ રોશન કર્યું છે તે તમામનું સન્માન કરવામાં આવશે. આમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનારી ટીમ, 2025માં વનડે વર્લ્ડ કપ જીતનારી મહિલા ટીમ, તેમજ અંડર-19 વર્લ્ડ કપ જીતનારી મહિલા અને પુરુષ ટીમોનો સમાવેશ થાય છે. આ ભવ્ય એવોર્ડ સેરેમની 15 માર્ચના રોજ દિલ્હીમાં યોજાશે, જેમાં ખેલાડીઓ ઉપરાંત ટીમના કોચિંગ સ્ટાફને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.
BCCI સચિવે આપી સત્તાવાર માહિતી
BCCIના સચિવ દેવાજીત સૈકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ અહેવાલોની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં ભારતે આઈસીસીની લગભગ તમામ મોટી ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. આ સફળતા પાછળ રહેલા ખેલાડીઓ અને સ્ટાફનું સન્માન કરવું એ ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં તમામ વિજેતા ટીમોના સભ્યો એકસાથે જોવા મળશે.”
IPL કેપ્ટનોની મીટિંગ અને ફોટોશૂટ પણ તે જ દિવસે
15 માર્ચની તારીખ ભારતીય ક્રિકેટ માટે ઘણી વ્યસ્ત રહેવાની છે. એક તરફ સન્માન સમારોહ હશે, તો બીજી તરફ તે જ દિવસે દિલ્હીમાં આઈપીએલ (IPL) ટીમના કેપ્ટનોની મહત્વની બેઠક પણ યોજાઈ શકે છે. આ બેઠકમાં તમામ કેપ્ટનોને આઈપીએલના નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે. મોટાભાગના કેપ્ટનો ભારતીય હોવાથી અને સન્માન સમારોહ માટે દિલ્હીમાં હાજર હોવાથી, તે જ દિવસે આઈપીએલનું સત્તાવાર ફોટોશૂટ પણ પૂરું કરી લેવામાં આવશે.

