ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવની સંખ્યા વધતાં મેયર ડો. જગદીશ પટેલ અને પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ આવતી કાલે બુધવારે ટેક્સટાઇલ ઉદ્યોગના જુદા જુદા સંગઠનોની બેઠક યોજી છે. હીરા ઉદ્યોગ પછી કાપડ ઉદ્યોગમાં ગઇકાલે એક જ દિવસે 27 પોઝિટિવ કેસ મળી આવ્યા પછી આ બેઠક યોજાવા જઇ રહી છે.
પાલિકા કમિશ્નરનું તેડું આવતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોના જીવ તાળવે ચોંટયા છે. કારણ કે માંડ માંડ 30 ટકા કામદારોની હાજરીમાં એક પાળી પ્રોડકશન વિવિંગ અને પ્રોસેસીંગ એકમોમાં ચાલી રહ્યું છે. તેવી સ્થિતિમાં હવે જો કાપડના કારખાના બંધ થશે તો જે 30 ટકા કામદારો રહ્યા છે તે પણ વતને ભાગી જવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ મિલમાલિકો અને લેબર કોન્ટ્રાકટર કામદારોને સુરત પરત લાવવા માટે ઉત્તરપ્રદેશ પહોંચ્યા છે. પરંતુ કામદારો દિવાળી પહેલા આવવા માટે તૈયાર નથી. જે થોડાક કામદારો તૈયાર થયા છે તે લોકો રૂમ ભાડું, 3 મહિનાનું અનાજ અને ઉપાડની માંગ કરી રહ્યા છે.
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે અત્યારે એક પાળીમાં કાપડનું ઉત્પાદન ચાલી રહ્યું હોવાથી મિલ માલિકોને ઊંચી પ્રોડક્શન કોસ્ટ જઇ રહી છે. માંડ 20 ટકા મિલ શરૂ થઇ શકી છે તે પણ ઓછા પ્રોડક્શનને લીધે ખોટ કરી રહી છે. એસો.ને પાલિકાને પાણીના મિનિમમ વીજ બીલોમાંથી મુકિત આપવા માંગ કરી છે. અગાઉ પાલિકાએ ઉદ્યોગની સ્થિતિને ધ્યાને રાખી જુન સુધી મીનીમમ ચાર્જમાંથી મુકિત આપી હતી. તેને વધારવાની જરૂર છે જેથી વધુમાં વધુ એકમો શરૂ થઇ શકે.
વધુ સંખ્યામાં ઉદ્યોગો શરૂ કરવા અને કામદારના પ્રશ્ન માટે એસ.જે. હૈદરે બોલાવેલી બેઠકમાં ટેક્સટાઇલ સંગઠનોની બાદબાકીથી નારાજગી
ગઇકાલે સોમવારે રાજ્યના એડિશનલ પ્રિન્સીપલ સેક્રેટરી એસ.જે. હૈદર અને પાલિકા કમિશ્નર બંછાનીધિ પાનીએ બોલાવેલી બેઠકમાં એજન્ડા સુરતમાં મહત્તમ સંખ્યામાં ટેક્સટાઇલ એકમો શરૂ કરવાનો હતો. તે ઉપરાંત પરપ્રાંતિય કામદારોને સુરત કઇ રીતે પાછા લાવી શકાય તેને લગતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.