ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે ગાંધીનગરમાં મહેસુલ કમિશ્નર હર્ષદ પટેલ તથા ડે. કલેકટર તૃપ્તિ વ્યાસની ઉપસ્થિતિમાં ઝૂમ કલાઉડ સોફટવેરની મદદ વડે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.જેમાં રાજયમાં ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબિનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આજે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ગોંડલમાં 54 મીમી એટલે કે 2 ઈંચ વરસાદ થયો હતો. જયારે એકંદરે રાજયમાં વરસાદનું જોર નરમ પડવા સાથે 21 તાલુકાઓમાં વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 41 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર તૃપ્તી વ્યાસે આપેલી માહિતી મુજબ રાજ્યમાં તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં ૧૧૧.૩૧ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમીથી લઈ ૩૪૩ મીમી સુધી નોંધાયો છે.
IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંદાજીત ૨૮.૪૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧૪.૯૯ લાખ હેક્ટર વાવેતર થયું હતું.
આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૩૩.૫૦% વાવેતર થયું છે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ, માર્ગ મકાન વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા સુચના આપવામાં આવી હતી.
સુરતમાં વરસાદનો વિરામ, બફારાથી લોકો ત્રાહિમામ, તાપમાન 33 ડિગ્રી નોંધાયું
શહેરમાં છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગની હળવા અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે શહેરમાં આજે વરસાદ ન નોંધાતા રસ્તાઓ કોરાકટ જોવા મળ્યા હતાં. આ સાથે સખત ગરમી અને પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા હતા. સવારે થોડી ઠંડક બાદ બપોર પછી ગરમીનું પ્રમાણ મહત્તમ રહ્યું હતું.
ચોમાસાની શરૂઆતમાં ધીમા વરસાદની આગાહી વચ્ચે આજે બિલકુલ વરસાદ ન નોંધાતા વાતાવરણમાં ઉકળાટ જોવા મળ્યો હતો. વરસાદે આજે વિરામ લીધો હતો ત્યારે આજે શહેરનું મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં આજે 12 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ સૂંસવાટા મારતો પવન ફૂંકાયો હતો.