BADA દ્વારા વિકાસ યોજના–૨૦૪૧ અંગે પત્રકાર પરિષદ, કનેક્ટિવિટી વધારવા નવા રીંગ રોડ અને ઝોનનું આયોજન
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (BADA) ના ચેરમેન ડૉ. નરેન્દ્રકુમાર મીના (IAS) દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૧ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના ભાવનગરના આગામી દાયકાઓના સુઆયોજિત વિકાસ અને શહેરી સુવિધાઓના વિસ્તરણ માટેનો એક બ્લુપ્રિન્ટ છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ યોજનાના વિવિધ પાસાઓ સમજાવતા ચેરમેનશ્રીએ ભાવનગરના ભવિષ્યના રોડ નેટવર્ક અને પર્યાવરણીય આયોજન પર ભાર મૂક્યો હતો.
ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નવા રીંગ રોડનું આયોજન
શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા અને કનેક્ટિવિટી વધારવા માટે આ વિકાસ યોજનામાં વિશાળ રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે:
-
રીંગ રોડ-૧: શહેરના આંતરિક ભાગોને જોડવા માટે ૪૫ મીટર, ૬૦ મીટર અને ૧૦૦ મીટરના રસ્તાઓ.
-
રીંગ રોડ-૨: ૭૫ મીટરની પહોળાઈ ધરાવતો નવો માર્ગ.
-
રીંગ રોડ-૩: બાડા (BADA) વિસ્તારની હદ સાથે ૯૦ મીટર પહોળા રસ્તાનું આયોજન, જે નજીકના ગામડાઓને સીધા શહેર સાથે જોડશે.
પર્યાવરણ અને સુવિધાઓ: ૧૮૧ હેક્ટરમાં અર્બન ફોરેસ્ટ
પર્યાવરણની સુરક્ષા અને શહેરીજનોને શુદ્ધ હવા મળી રહે તે માટે નારી ગામ અને બોર તળાવ પાસે મળીને કુલ ૧૮૧ હેક્ટર જમીન ‘અર્બન ફોરેસ્ટ’ (શહેરી વન) માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત યોજનામાં નીચે મુજબની જોગવાઈઓ છે:
-
રમત-ગમત અને મનોરંજન: આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ અને રિક્રિએશન ઝોન.
-
કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ: નવા ઇન્ડસ્ટ્રિયલ ઝોન અને કન્વેન્શન સેન્ટર માટે જગ્યાની ફાળવણી.
-
રહેણાંક: વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને નવા રેસિડેન્શિયલ ઝોન અને ટી.પી. સ્કીમનું આયોજન.
વાંધા અને સૂચનો માટે બે મહિનાનો સમય
ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ આ યોજના તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ સરકારમાં રજૂ કરવામાં આવી છે અને ૦૩/૦૩/૨૦૨૬ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ વિકાસ યોજનાનો નકશો અને વિગતો BADA કચેરી ખાતે જાહેર જનતાના અવલોકન માટે મૂકવામાં આવી છે. જો કોઈ નાગરિકને આ યોજના સામે કોઈ વાંધો કે સૂચન હોય, તો તેઓ ૦૩ મે, ૨૦૨૬ સુધીમાં (બે મહિનાની અંદર) પોતાની રજૂઆત લેખિતમાં કરી શકે છે.
