ઈરાન યુદ્ધ વચ્ચે જાપાનનો મોટો નિર્ણય: પોતાની ‘તિજોરી’માંથી કાઢશે 45 દિવસનો રિઝર્વ ઓઈલ સ્ટોક
મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા યુદ્ધ અને તણાવની વચ્ચે ઊર્જા બજારને સ્થિર રાખવા માટે જાપાને એક ઐતિહાસિક અને સાહસિક પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીએ બુધવારે જાહેરાત કરી હતી કે જાપાન તેના વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Oil Reserve) નો એક મોટો હિસ્સો બજારમાં મુકશે. આ સાથે જાપાન G7 દેશોના સમૂહમાં આવું કરનાર પ્રથમ દેશ બન્યો છે.
45 દિવસનો તેલ પુરવઠો જાહેર કરાશે
વડાપ્રધાન તાકાઈચીએ ટોક્યોમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, જાપાન 16 માર્ચથી તેના ખાનગી ક્ષેત્રના તેલ ભંડારમાંથી 15 દિવસના વપરાશ જેટલો અને સરકારી તેલ ભંડારમાંથી એક મહિનાના વપરાશ જેટલો તેલનો જથ્થો બજારમાં લાવવાની યોજના ધરાવે છે. આ રીતે કુલ 45 દિવસનો અનામત તેલનો જથ્થો વાપરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે તેલ પુરવઠામાં આવતા અવરોધોને રોકવાનો અને વધતી જતી કિંમતો પર નિયંત્રણ લાવવાનો છે.
મધ્ય પૂર્વ પર જાપાનની નિર્ભરતા
જાપાન તેના ક્રૂડ ઓઈલની જરૂરિયાત માટે સૌથી વધુ મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. ખાસ કરીને હૉર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ચાલી રહેલા તણાવને કારણે તેલના પુરવઠા પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. જો આ જળમાર્ગ બ્લોક થાય તો જાપાન જેવા દેશો માટે ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને જાપાને આગોતરા પગલાં તરીકે આ સુરક્ષિત ભંડાર ખોલવાનો નિર્ણય લીધો છે.
G7 દેશોમાં જાપાન મોખરે
જાપાનનો આ નિર્ણય વૈશ્વિક ઉર્જા ગ્રાહક દેશો વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ લેવામાં આવ્યો છે. એકતરફ ભારત જેવા દેશો અત્યારે પોતાના વ્યૂહાત્મક ભંડારને સુરક્ષિત રાખવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જાપાને બજારમાં વધારાનો પુરવઠો પૂરો પાડીને કિંમતો સ્થિર રાખવાનું જોખમ ઉઠાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા અન્ય G7 દેશો પણ જાપાનના આ માર્ગે ચાલે છે કે નહીં.

