“કેચ ધ રેઇન” અભિયાનને સાકાર બનાવતો પ્રયાસ, હારીજના ખેડૂતે ખેતરમાં હોલિયા દ્વારા ભૂગર્ભ જળ સ્તર વધાર્યું
પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે સરકાર દ્વારા “કેચ ધ રેઈન” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે “ખેતરનું પાણી ખેતરમાં” ઉતારવાના ઉમદા હેતુને હારીજ તાલુકાના ચાબખા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ પ્રજાપતિએ સાર્થક કરી બતાવ્યો છે. તેમણે પોતાના ખેતરમાં પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિના મિશ્રણ સમાન “હોલિયો” (રિચાર્જ કૂવો) બનાવીને જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિચાર્જ કૂવા દ્વારા પાણીનો સંગ્રહ અને ખેતીમાં લાભ
પ્રાકૃતિક ખેતી કરતા જયંતીભાઈએ પોતાના ખેતરમાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંડો રિચાર્જ કૂવો એટલે કે હોલિયો બનાવ્યો છે. ચોમાસા દરમિયાન ખેતરમાં ભરાતું વરસાદી પાણી કે કેનાલનું વધારાનું પાણી સીધું જ આ હોલિયામાં ઉતરી જાય છે. આ રીતે સંગ્રહિત થયેલું પાણી ઉનાળામાં જ્યારે પાણીની ખેંચ હોય ત્યારે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ખેડૂત મિત્રો જણાવે છે કે કટોકટીના સમયે આ હોલિયા દ્વારા એક-બે પિયત આપીને લાખો રૂપિયાનો પાક બચાવી શકાય છે.
ઓછા ખર્ચે લાખોનું વળતર અને શુદ્ધ પાણીની પ્રાપ્તિ
હોલિયો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને કરકસરભરી છે. માત્ર ૨૦-૨૫ ફૂટ પાઇપ, કપચી અને મજૂરી મળીને અંદાજે ૧૦ થી ૧૫ હજાર રૂપિયાના મામૂલી ખર્ચમાં આ સુવિધા તૈયાર થઈ જાય છે. જયંતીભાઈના અનુભવ મુજબ, આ રીતે જમીનમાં ઉતરેલું પાણી ઉનાળામાં કુદરતી રીતે ફિલ્ટર થઈને બહાર આવે છે, જે પીવા માટે પણ મિનરલ વોટર જેવું શુદ્ધ અને ઠંડું હોય છે. આમ, ખેતીની સાથે પીવાના પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ મળે છે.
ભૂગર્ભ જળ વધારવા અન્ય ખેડૂતોને પ્રેરક અપીલ
પાણીના ઘટતા જતા સ્તરને બચાવવા માટે જયંતીભાઈ અન્ય ખેડૂતોને પણ દરેક ખેતરમાં આવા રિચાર્જ કૂવા બનાવવાની અપીલ કરી રહ્યા છે. જો દરેક ખેડૂત “કેચ ધ રેઈન” અભિગમ અપનાવે તો ખેતી ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને પર્યાવરણનું જતન થશે. સરકારના આ અભિયાનને જનઆંદોલન બનાવીને આપણે ભવિષ્યની પેઢી માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ. આ નાનકડો પ્રયાસ લાંબાગાળે સમગ્ર પંથક માટે જળક્રાંતિ લાવી શકે છે.
