નર્મદા ડેમથી બદલાયું ગુજરાતનું ચિત્ર, ખેતીથી લઈને પીવાના પાણી સુધી સર્વાંગી વિકાસ
પાણી કુદરતની અનમોલ ભેટ છે અને તેના વિના જીવનની કલ્પના અશક્ય છે. દર વર્ષે ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવે છે, જે આપણને પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંરક્ષણની યાદ અપાવે છે. ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં વર્ષો સુધી પાણીની તંગી અને દુષ્કાળની સમસ્યા રહી છે, ત્યાં નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર ડેમ એક આશીર્વાદ સમાન સાબિત થયો છે. આ વિશાળ પ્રોજેક્ટ આજે ગુજરાતની જળ સુરક્ષા અને આર્થિક વિકાસનો મજબૂત આધાર બની ગયો છે.
કૃષિ ક્રાંતિ અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો
સરદાર સરોવર યોજનાને કારણે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાઈ ગયું છે. નર્મદાના પાણીથી ગુજરાતમાં અંદાજે ૧૭.૯૨ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળી રહી છે, જેનાથી ૧૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને સીધો ફાયદો થયો છે. સિંચાઈના કારણે ખેડૂતો હવે કપાસ, મગફળી અને જીરું જેવા પાકોની સાથે રવિ પાક પણ લઈ શકતા થયા છે. આ સુવિધાના પરિણામે ખેતીનું ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોની આવક બમણી થવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે.
કરોડો લોકો માટે પીવાનું શુદ્ધ પાણી અને નહેર નેટવર્ક
આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના ૧૦,૦૦૦થી વધુ ગામો અને ૧૯૦ જેટલા શહેરોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવે છે. અગાઉ જે વિસ્તારોમાં પાણી માટે મહિલાઓએ કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું, ત્યાં હવે પાઇપલાઇન દ્વારા ઘર સુધી પાણી પહોંચી રહ્યું છે. ૪૫૮ કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર અને ૭૦,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબુ નહેર નેટવર્ક વિશ્વની સૌથી મોટી સિંચાઈ પ્રણાલીઓમાંની એક છે. આ વ્યવસ્થા દ્વારા રાજ્યના ખૂણેખૂણે પાણી પહોંચાડીને જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ તરફ ડગલાં
સરદાર સરોવર ડેમ માત્ર પાણી જ નહીં, પરંતુ વીજ ઉત્પાદન માટે પણ અત્યંત મહત્વનો છે. ૧૪૫૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પાવર હાઉસ દ્વારા અત્યાર સુધીમાં કરોડો યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે. આ ઉપરાંત, કેનાલ પર સોલાર પેનલ્સ લગાવીને પર્યાવરણમિત્ર ઉર્જા મેળવવામાં આવે છે. પર્યાવરણના જતન માટે ડૂબમાં ગયેલા એક વૃક્ષ સામે ૬૭ નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી આ વિસ્તાર પ્રવાસન ધામ તરીકે વિકસ્યો છે, જેનાથી સ્થાનિકોને રોજગારી મળી છે અને ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે વધ્યું છે.

