મોદી સરકાર(Government)નાં શાસનના ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ ડીઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના ૧૩૦ કરોડ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા આજે કેન્દ્રની મોદી સરકાર સામે રાજયવ્યાપી દેખાવો અને ધરણાં પ્રદર્શન કરવામા આવ્યું હતું. પેટ્રોલ – ડીઝલમાં ૧૮ દિવસમાં ૧૮ વખત ભાવ વધારો ઝીંકનાર ભાજપ(BJP) સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજૂથ થઈને લડી રહ્યો છે બીજીબાજુ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી પૂરી પાડવા, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર કરવાને બદલે રાત દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત છે.
તેમણે જણાવ્યું કે વિશ્વ આખામાં જયારે કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે બીજીબાજુ કેન્દ્રની ભાજપ સરકાર નિર્દયતાથી સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી કરે તે કેટલે અંશે વ્યાજબી? કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરીકોના ખિસ્સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્સા ખાલી કરવા તેની હંમેશા તત્પર ભાજપ સરકારે ૧૮ દિવસમાં ૧૮ વખત પેટ્રોલ-ડીઝલમાં આકારો ભાવ વધારો એ પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફીકેટ છે. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ના મેં માં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.૭૧.૪૧ હતો જે આજે ૭૯.૯૬ પ્રતિ લીટર થયો છે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેં માં ક્રૂડ તેલનો ભાવ $ ૧૦૬.૮૫ પ્રતિ બેરલ હતો જે આજે માત્ર $ ૩૮ પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને આપવાને બદલે દેશના ૧૩૦ કરોડ નાગરીકોને લુંટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.
ચાવડાએ અને ધાનાણીએ કહયું હતું કે ભાજપ સરકારે ૪ માર્ચ ૨૦૨૦ થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્ષ વધારી દીધો. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ ૧૦ રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧,૬૦,૦૦૦ કરોડ લોકો પાસેથી ઉઘાડી લુટ કેમ? તેનો જવાબ ભાજપ આપે. તેમણે કહ્યું કે ગુજરાત રાજ્ય હોય કે દેશ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓને કારણે લાખો યુવાનો બેરોજગારીનાં મારમાં પીસાઈ રહ્યા છે. ભાજપ સરકારની અણઆવડત, સદંતર નિષ્ફળ વ્યવસ્થાતંત્રને પગલે શાકભાજી, સીગતેલ, કપાસિયા, પામોલીન તેલમાં આગ ઝરતી તેજીએ ગરીબો અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં અસહ્ય વધારો કર્યો છે. “અચ્છે દિન”ની ગાણા ગાતા ભાજપા સત્તાધીશો, આગેવાનો, નેતાઓ જયારે દેશ અને ગુજરાતની જનતાને કોરોના મહામારીમાં સૌથી વધુ જરૂર હતી ત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કરવેરા, ભાવવધારો કરી લોકોના ખિસ્સા ખંખરી પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકાર નાગરીકોને સહાય, સુરક્ષા સહિતના તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. આંતરરાષ્ટ્રીય કરન્સી એક્સચેન્જ દર મુજબ પાકિસ્તાનમાં “પેટ્રોલ”નાં ભાવ રૂ ૩૪.૪૪/લીની સરખામણીએ ભારતમાં રૂ ૭૯.૯૬ પ્રતિ લીટર શું કામ છે? તેનો જવાબ આપવો જોઈએ.