દેશ માં બિહારમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજ તાંડવ ખેલતા અહીંના 23 જિલ્લામાં કુલ 83 લોકોના મોત થતા ભારે ચકચાર મીશ્રીત અરેરાટી નો માહોલ ફેલાય ગયો છે અને ગમગીની પ્રસરી ગઈ છે. બિહાર માં ગોપાલગંજમાં 14, મધુબની અને નવાદામાં 8-8 તેમજ સીવાન-ભાગલપુરમાં 6-6 લોકોના મોત થયા હતા. દરભંગા, પૂર્વી ચંપારણ અને બાંકામાં 5-5 લોકોના મોત થયા હતા. ખગડિયા અને ઔરંગાબાદમાં 3-3 તેમજ પશ્વિમી ચંપારણ, કિશનગંજ, જહાનાબાદ, જમુઇ, પૂર્ણયા, સુપૌલ, કૈમૂર તેમજ બક્સરમાં 2-2 લોકોના મોત થયા હતા. સમસ્તીપુર, શિવહર, સીતામઢી અને મધેપુરામાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ સતાવાર માહિતી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે હાલ ના બદલાયેલા હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન બહાર નીકળવાનું ટાળે અને ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે.
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કટિહાર, ભાગલપુર, બાંકા, મુંગેર, ખગડીયા અને જમુઇમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશમાં ત્રણ સિસ્ટમ્સ સક્રિય છે. ઉત્તર છત્તીસગ અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની હવા જોવા મળે છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ તરફ જશે અને બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના તરાઇ વિસ્તારોની નજીક પહોંચી જશે. 27 જૂન સુધી તરાઇ વિસ્તારોમાં પણ ચોમાસાની અસર રહેશે. આને કારણે બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ , 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી કરાઈ છે.
આમ બિહારનાં અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. અને ભારે પવન સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર બિહાર સહિત અને જિલ્લામાં અત્યારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અગાઉ થી જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ આમ બિહાર માં ભારે વરસાદ સાથે વીજળી પડવાની આ ઘટના સૌથી મોટી ઘટના હોવાનું સામે આવી રહ્યું છે.
