અનલોક-1માં તમામ ધંધા-ઉદ્યોગોને પરવાનગી મળી જતાં લોકોની અવરજવર વધી છે. લોકડાઉન(Lockdown)ના કારણે આર્થિક તંગી અનુભવતા લોકોને રાહત મળે અને અર્થતંત્ર પડી ના ભાંગે એ માટે સરકારે છૂટછાટ તો આપી, પરંતુ કોરોના(Corona)ના સંક્રમણને કાબૂમાં રાખવા માટે ગાઇડલાઇન(Guidline) પણ બનાવી છે. પરંતુ લોકો તેનો અમલ કરતા નથી. આથી કોરોનાનો ચેપ ઝડપથી આગળ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં થઇ રહેલા ટેસ્ટિંગની સામે પોઝિટિવ આવવાનો રેશિયો પણ સતત વધી રહ્યો છે. અનલોક-1(Unlock) પહેલા જે રેશિયો આઠથી 10 ટકા રહેતો હતો. એ હવે 30થી 35 ટકા પર પહોંચી ગયો છે.
મનપા દ્વારા સ્મીમેર(Smimer) તેમજ નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital) ખાતે કાર્યરત લેબમાં કોરોના સેમ્પલનાં પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ ઉપરાંત અમુક પ્રાઇવેટ લેબ અને હોસ્પિટલમાં પણ કોરોનાના સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેથી ટેસ્ટિંગની સંખ્યા જે અગાઉ સાડા ત્રણસોથી ત્રણસો જ રહેતી હતી. તે છેલ્લા એક અઠવાડિયામાં તો 600થી 800ની આસપાસ થઇ રહી છે. જો કે, તેમાં મનપા દ્વારા લેવાતા સેમ્પલની વાત કરીએ તો તેમાં 35થી 40 ટકા કેસ પોઝિટિવ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા હવે કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલાં અને લક્ષણો ધરાવતા નજીકના વ્યક્તિઓ તેમજ જેમીની એપ દ્વારા ખાનગી તબીબોએ મોકલેલા દર્દીઓની યાદી અને ફિવર ક્લિનિકમાં આવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ખાનગી લેબમાં કોઇ પણ તપાસ કરાવી શકે છે.
છેલ્લા પાંચ દિવસના ટેસ્ટિંગ (ખાનગી લેબ-હોસ્પિટલ સહિત)
તારીખ ટેસ્ટિંગ પોઝિટિવ
19 595 74
20 635 77
21 469 150
22 615 114
23 782 152
કુલ 3095 567